ગાંધીધામઃ ચાર્લી ચેપ્લિન નામ કોઈથી અજાણ્યું નથી, કોઈ શબ્દો બોલ્યા વિના માત્ર પોતાના હાવભાવથી જ વર્ષો સુધી વિશ્વને તેમણે હસાવ્યું હતું. તેમની આ જ લાક્ષણિકતાને ભગવાન કૃષ્ણની ફિલોસોફી સાથે જોડીને આદિપુરના ડો. અશોક આસવાણી છેલ્લા 5 દશકાથી ચાર્લી ચેપ્લિન બનીને આદિપુરમાં રેલી કાઢતા હતા. 23 નવેમ્બરે અમદાવાદમાં લાંબી માદગી બાદ તેમનું નિધન થતાં આદિપુરથી આગવી શૈલીમાં તેમની અંતિમ યાત્રા કઢાઈ હતી. આદિપુર સ્મશાન ગૃહમાં પહોંચીને તેમની પુત્રી મોનિકા આસનાની અને પરિવારે અંતિમ વિધિ કરી હતી. મોનિકાએ જણાવ્યું કે, આટલાં વર્ષો સુધી તેમના પિતાએ ચાર્લી બનીને સહુને ખુશ રહેવાનો, રાખવાનો સંદેશ આપીને રેલી કાઢી. હવે તેના જ પગલે ચાર્લીને તેમની પુત્રી લીડ કરશે અને સહુને જીવનમાં પોતાનાં દુઃખોને સાઇડ કરી, અન્યોના ચહેરા પર હાસ્ય લાવવાના પ્રયાસોનો સંદેશ આપશે.
‘કિસી કી મુસ્કરાહટોં પે હો નિંસાર, જીના ઇસી કા નામ હૈ’, ‘કલ ખેલ મેં, હમ હો ના હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા’, ‘મેરા નામ જોકર' ના ગીત વાદન સાથે આદિપુરમાં ચાર્લી ચેપ્લિન તરીકે જાણીતા અશોકભાઈની અંતિમ યાત્રા નીકળી હતી. પુણેમાં અભિનયના પાઠ ભણીને આદિપુર આવી પોતાની તબીબી પ્રેક્ટિસ ચાલુ રાખી સાથે 1973માં ચાર્લી સર્કલની વિવિધ મિત્રો સાથે સ્થાપના કરી, તેમનો ઉદ્દેશ્ય એક જ હતો કે દરેક પાસે સ્મિત હોય. દરવર્ષે ચાર્લી ચેપ્લિનના જન્મદિવસે મોટી સંખ્યામાં લોકો ચાર્લીના
ડ્રેસમાં સજ્જ થઈને નીકળતા, જેની નોંધ રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લેવાતી રહી હતી.
અંતિમ યાત્રામાં પણ ચાર્લીના ડ્રેસમાં સજ્જ
આદિપુરના મુખ્ય માર્ગોથી નીકળેલી આ યાત્રાએ સહુની આંખો ભીની કરી હતી. તેમના ઘરેથી વાજતે ગાજતે નીકળેલી અંતિમયાત્રામાં ગીતસંગીતની સુરાવલીઓ સાથે તેમની અંતિમયાત્રા પણ ચાર્લી ચેપ્લિનના ડ્રેસમાં કાઢવામાં આવી હતી. ચાહકો ચાર્લી ચેપ્લિનના ડ્રેસમાં સજ્જ થઈને અંતિમયાત્રામાં જોડાયા હતા.

