કેડિલાના CMD રાજીવ મોદી સામે સેક્રેટરીનો જાતીય સતામણીનો આક્ષેપ

Wednesday 29th November 2023 05:35 EST
 
 

અમદાવાદઃ અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ તેમની પર્સનલ આસિસ્ટન્ટ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસિડિંગ્સ મગાવતો નિર્દેશ કર્યો હતો. યુવતીની અરજી પર વધુ સુનાવણી 4 ડિસેમ્બરે હાથ ધરાશે.
અરજદાર યુવતી દ્વારા કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ આઇપીસીની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. અરજદાર યુવતીની ફરિયાદ મુજબ સીએમડી સાથે તેને ઉદયપુર, જમ્મુ સહિત વિવિધ સ્થળોએ જવાનું થતું હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં અણછાજતું વર્તન કરતા હતા. કંપનીના સીએમડીની સાથે કંપનીના જ અન્ય એક ઉચ્ચ અધિકારી જોન્સન મેથ્યુ પણ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે. અરજદારે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી, પરંતુ ફરિયાદ ન નોંધાતાં નીચલી કોર્ટ અને મહિલા આયોગમાં પણ અરજી કરી હતી. જો કે આ તમામ અરજી ધ્યાને ન લેવાતાં આખરે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.


comments powered by Disqus