ગુજરાત પર માવઠા સાથે વીજળીનો વારઃ 29 લોકોનાં મોત

Wednesday 29th November 2023 05:18 EST
 
 

અમદાવાદઃ રાજ્યભરના 251 તાલુકાઓમાં રવિવારે સવારથી મોડી સાંજ સુધી 50 મિ.મી.થી 2 ઇંચ સુધી માવઠું પડતાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. એક તરફ તાપમાનમાં 6થી 8 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો, તો રાજ્યનાં વિવિધ સ્થળે વીજળી પડવાથી 29 લોકોનાં મોત થયાં હતાં. એકાએક આવેલા આ માવઠાના કારણે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
મહેસાણામાં ઝાડ પડતાં એક રિક્ષાચાલકે જીવ ખોયો હતો. દક્ષિણ ગુજરાતમાં બારડોલીના કાંટી ફળિયામાં મરચાં તોડવાની મજૂરીકામ કરતી મહિલાઓ પર વીજળી પડતાં એકનું મોત થયું હતું, જ્યારે 9 દાઝી ગયા હતા. સુરત જિલ્લામાં ઓલપાડ, માંડવી અને ઉમરપાડામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારી નજીકના તવડીથી કસબા, માણેકપોર વિસ્તારમાં બરફના કરા પડ્યા હતા, અનેક વૃક્ષો પણ ધરાશાયી થયાં હતાં. નવસારીને અડીને આવેલાં 10 જેટલાં ગામોમાં બરફના કરાની ચાદર પથરાઈ જતાં ખેતીમાં નુકસાન થયું હતું. દાહોદ જિલ્લામાં સોમવારે 53 મિ.મી. વરસાદ પડ્યો હતો. ઉચવાણિયા ગામમાં વીજળી પડતાં એક યુવક અને 3 ભેંસનાં મોત થયાં હતાં.
સૌરાષ્ટ્ર પર નજર કરીએ તો ગીરસોમનાથ જિલ્લામાં દોઢ ઈંચ વરસાદ પડતાં પાકને વ્યાપક નુકસાન થયું હતું અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો પણ બંધ રાખવો પડ્યો હતો. 55 હજાર હેક્ટર રવીપાક માથે જોખમ સર્જાયું હતું. જૂનાગઢમાં તો શનિવારની રાત્રીના 3:30 વાગ્યાથી જ વાતાવરણ પલટાઈ ગયું હતું. ભારે પવનથી રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી, ગિરનારના પરિક્રમાર્થીઓને 15 કિ.મી.થી વધુમાં કાદવ-કીચડ અને લપસણા માર્ગ પરથી ચાલવું પડ્યું હતું. જો કે સરકારી ચોપડે માત્ર 10મિ.મી. જ વરસાદ નોંધાયો હતો. અમરેલીમાં સવારે 8 વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો. જાફરાબાદના રોહિસામાં વીજળી પડવાની 2 ઘટનામાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે એકને ઇજા પહોંચી હતી. પોરબંદરના બરડા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં જ ખેડૂતોએ વાવેતર કરેલા જીરું, ઘઉં, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ છે. જામનગર, કાલાવડ અને લાલપુરમાં ભારે ઝાપટાં વરસ્યાં હતાં. કલ્યાણપુરમાં એક ઈંચ અને ખંભાળિયામાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં કુલ 12.48 ઇંચ વરસાદ પડ્યો હતો. ચુડાના ભાણેજડા ગામે વીજળી પડતા યુવાનનું મોત થયું હતું. તો હળવદના સુંદરગઢ ગામે પણ વીજળી પડતાં 4 બકરાંનાં મોત થયાં હતાં. મોરબીના સિરામિક ફેક્ટરીના શેડનાં પતરાં તૂટી પડતાં પાણી ફેક્ટરીમાં ઘૂસતાં મશીનરી, સિરામિકનો કાચો માલ અને તૈયાર પ્રોડક્ટ, પેકિંગ બોક્સ સહિતની ચીજવસ્તુઓમાં કરોડોનું નુકસાન થયું હતું.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કડીના શિયાપુરાના ખેતરમાં વીજળી પડતાં સંજય વિષ્ણુજી ઠાકોર નામના યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે વિજાપુરના દેવડા ગામના 29 વર્ષીય રિક્ષાચાલક જિતેન્દ્ર પરમાર રિક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે વૃક્ષ તૂટી પડતાં તેનું મોત થયું હતું. સાબરકાંઠાના ઇડરના કાબશોગઢ ગામે ખેતરમાં કામ કરતી 50 વર્ષીય મહિલા પર વીજળી પડતાં મોત થયું હતું, મોડાસાના દયાલિયા મઠ ગામની સીમમાં વીજળી પડતાં 16 બકરાંનાં મૃત્યુ નીપજ્યાં હતાં. પાટણમાં સમી તાલુકાના હરિપુરા લાલપુરા ગામે વીજળી પડતાં 4 લોકો દાઝ્યા અને જિલ્લામાં 7 પશુનાં મોત થયાં હતાં.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર બરફની ચાદર
ગુજરાતમાં રવિવારે ભરશિયાળે માવઠું પડ્યું હતું, જેમાં અનેક સ્થળે કરા પણ પડ્યા હતા. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કરા પડતાં બરફની ચાદર પથરાતાં લોકોએ સિમલા-મનાલી જેવા વાતાવરણનો આનંદ માણ્યો હતો. બીજી બાજુ રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંઢેરી પેવેલિયનને ખેદાન-મેદાન કરી નાખ્યું હતું.
મૃતકોના પરિવારને સરકાર ચૂકવશે સહાય
રાજ્યમાં માવઠાના કારણે અનેક જગ્યાએ જાન-માલને ભારે નુકસાન થયું છે. માવઠામાં પાક નષ્ટ થવાની સાથે 29 લોકોનાં મોત પણ થયાં છે. આ જોતાં રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 4 લાખ સહાય ચૂકવવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ સાથે કૃષિમંત્રીએ ખેડૂતોને એસડીઆરએફના નિયમ પ્રમાણે હેક્ટરદીઠ રૂ. 6800ની સહાય આપવાનું એલાન કર્યું છે.
માવઠાથી રવીપાકને મોટું નુકસાન
સમગ્ર ગુજરાતમાં માવઠાના કારણે તલ, અડદ, બાજરી, ડાંગર, કપાસ, ડુંગળી, મરચાં, ટામેટાં સહિત વિવિધ રોકડિયા પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ખેેતીને વ્યાપકપણે નુકસાન પહોંચાડતાં ખેડૂતોને રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક અંદાજ મુજબ આખા ગુજરાતમાં કુલ મળીને એક લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે.


comments powered by Disqus