ટેસ્લાને ગુજરાતમાં ખેંચી લાવવા માટે ભારત સરકારના ભરપૂર પ્રયાસો

Wednesday 29th November 2023 05:11 EST
 
 

ગાંધીનગરઃ વિશ્વની સુપ્રસિદ્ધ ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાને ગુજરાતમાં ખેંચી લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ભરપૂર પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ટેસ્લાના સ્થાપક-સીઈઓ એલન મસ્કને ગુજરાત સરકારની જાન્યુઆરીમાં યોજાનારી હાઇપ્રોફાઇલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ખેંચી લાવી ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરાવવા માટે છેક કેન્દ્ર સરકારથી પ્રયાસો થઈ રહ્યા હોવાનું ટોચનાં સૂત્રોએ નામ પ્રસિદ્ધ ન કરવાની શરતે જણાવ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં જ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયેલને દિવાળી પર્વ સમયે ખાસ અમેરિકા મોકલાયા હતા, જેમણે ટેસ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કેલિફોર્નિયા રાજ્યની ફ્રેમાઉન્ટ સિટીમાં આવેલી ટેસ્લા ફેક્ટરીની વિઝિટ કરી હતી. અલબત્ત સુપરરિચ બિઝનેસ એલન મસ્કને પિયૂષ ગોયેલ મળી શક્યા નહોતા.
ટેસ્લાને ગુજરાતમાં લાવવાની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ હોઈ ગુજરાત સરકારને ટેસ્લાનો સીધો સંપર્ક ન કરવાની સૂચના અપાઈ છે, જેને કારણે વાઇબ્રન્ટ સમિટનો પ્રચાર કરવા યુએસ ગયેલા રાજ્યના નાણાવિભાગના અધિક મુખ્ય સચિવે ટેસ્લાની વિઝિટ કરવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના પ્રયત્નોથી ગુજરાતને વડોદરામાં તાતા-એેરબસ એરક્રાફ્ટ પ્રોજેક્ટ, ભરૂચમાં વિશાળ બલ્ક ડ્રગ પાર્ક તથા સાણંદને માઇક્રોન ટેક્નોલોજીનો સેમિ કંડક્ટર પ્લાન્ટ મળ્યા છે.


comments powered by Disqus