નિવૃત્ત મામલતદારની રૂ. 1.47 કરોડની અપ્રમાણસર સંપત્તિ જપ્ત

Wednesday 29th November 2023 06:15 EST
 

હિંમતનગરઃ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવનારા અને ચાલુ વર્ષે હિંમતનગરમાં ડિઝાસ્ટર મામલતદારની ફરજ દરમિયાન વયનિવૃત્ત થયેલા હિંમતનગરની વ્યક્તિ વિરુદ્ધ રૂ. 1.47 કરોડની અપ્રમાણસર મિલકતો ધરાવતા હોવાની ફરિયાદ થયા બાદ શનિવારે મળસ્કે સાબરકાંઠા એસીબીએ ગુનો નોંધી અટક કરી હતી. કેસની તપાસ અરવલ્લી એસીબીને સોંપાઈ છે.
એસીબી સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગર કલેક્ટર કચેરીમાં 1 એપ્રિલ 2008થી 31 માર્ચ 2018 દરમિયાન નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવનારા વાઘરોટાના વતની અને હિંમતનગરના રહીશ દેવેશકુમાર રમણલાલ પટેલ વિરુદ્ધ હોદ્દાનો અને પદનો દુરુપયોગ કરી ગેરકાયદે નાણાં મેળવી સ્થાવર-જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકતો વસાવેલી હોવા અંગે એસીબીમાં ફરિયાદ થયા બાદ તત્કાલીન સાબરકાંઠા એસીબી પીઆઇ બી.કે. ગમારની તપાસને અંતે અટકાયત કરાઈ છે. દેવેશ પટેલે પોતાની કાયદેસર આવકનાં સાધનોમાંથી રૂ. 1.47 કરોડથી વધુની અને બાકીની મિલકતો 70.78 ટકા અપ્રમાણસર મિલકતથી વસાવી હોવાનું જણાયું છે.
સાબરકાંઠા એસીબીએ દેવેશકુમાર રમણલાલ પટેલ, તેમનાં પત્ની અને પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ મુજબનો ગુનો દાખલ કરી શનિવારે મળસ્કે અટક કરતાં ખળભળાટ મચી ગયો હતો.


comments powered by Disqus