નવી દિલ્હીઃ કોંગેસ સાથે સંકળાયેલી કંપની યંગ ઇન્ડિયા લિમિટેડની માલિકીના નેશનલ હેરાલ્ડ અખબાર સામેની મની લોન્ડરિંગની તપાસ અંતર્ગત ઈડીએ દિલ્હી અને મુંબઈના નેશનલ હેરાલ્ડ હાઉસ તથા લખનઉના નહેરુ ભવન સહિત યંગ ઇન્ડિયાની રૂ. 751.90 કરોડની સંપત્તિ જપ્ત કરી હોવાનું જણાવ્યું છે. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અખબારના પ્રકાશક એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ અને તેની હોલ્ડિંગ કંપની યંગ ઇન્ડિયા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર ઇશ્યૂ કરાયો છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, એજેએલએ કાળી કમાણીથી દિલ્હી, મુંબઈ અને લખનઉમાં રૂ. 661.29 કરોડની સ્થાવર મિલકતો ઉપાર્જિત કરી છે, જ્યારે યંગ ઇન્ડિયાએ આવી કમાણીથી એજેએલના ઇક્વિટી શેર્સમાં રૂ. 90.21 કરોડનું રોકાણ કરેલું છે. કેસની તપાસ અંતર્ગત ઈડીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પણ પૂછપરછ કરી તેમનાં નિવેદન લીધાં હતાં.

