આણંદઃ ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત પીઢ અભિનેત્રી ચારુબહેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન થયું. 12 જાન્યુઆરી 1940એ જન્મેલાં અને અમદાવાદ કોર્પોરેશનનાં નિવૃત્ત અધિકારી, થિયેટર આર્ટિસ્ટ, ટીવી અને ફિલ્મ કલાકાર ચારુબહેન છેલ્લા ઘણા સમયથી આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતાં હતાં. પંદરેક દિવસ અગાઉ તેઓને પગમાં ફ્રેક્ચર થયું હતું. જેથી કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં ચારુબહેનની સારવાર ચાલી રહી હતી.
દરમિયાન બુધવારે સવારે હાર્ટએટેક આવતાં ચારુબહેન પટેલનું હોસ્પિટલમાં જ નિધન થયું હતું. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના નિવૃત્ત અધિકારી તથા થિયેટર આર્ટિસ્ટ, ટીવી-ફિલ્મી કલાકાર ચારુબહેનનો જન્મ આફ્રિકામાં થયો હતો. ચારુબહેન નારણભાઈ પટેલે ‘એક ડાળનાં પંખી’ દૈનિક ધારાવાહિક તેમજ ‘હું શાણી અને શકરી’ નાટકમાં નોંધપાત્ર અભિનય કર્યો હતો. “મામાનું ઘર કેટલે” સિરિયલમાં પણ તેમણે ભૂમિકા ભજવી હતી. તેમની કારકિર્દીની શરૂઆત 1961માં એકાંકીથી થઈ હતી. ત્યારબાદ 1964માં તેમણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો અને તેમનું પ્રથમ નાટક ‘મળેલા જીવ’ હતું. ચારુબહેન પટેલે પી. ખરસાણી સાથે ખૂબ જ કામ કરીને પોતાની ઓળખ ઊભી કરેલી.

