મહિલા ગાયનેક તબીબ સહિત 32 સંસારી દીક્ષા લઈ સનાતની સાધુ બન્યાં

Wednesday 29th November 2023 05:44 EST
 
 

જૂનાગઢઃ દેવપ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે એક મહિલા ગાયનેક તબીબ સહિત 32 મુમુક્ષુઓએ જૂનાગઢમાં સંસારની મોહમાયા ત્યજી સંન્યાસનો માર્ગ ગ્રહણ કર્યો હતો. જેમાં 26 જેટલા પુરુષો અને 6 મહિલાઓએ વિધિવત્ રીતે દીક્ષા ગ્રહણ કરી હતી. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 550થી વધુ સંસારીઓએ સંન્યાસ ધારણ કરી સનાતન ધર્મને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જૂનાગઢ મુચકુંદ ગુફા ખાતે આયોજિત દીક્ષાંત કાર્યક્રમમાં દીક્ષાર્થીઓએ પોતાની રોજિંદી જીવનશૈલી છોડી સનાતન ધર્મ માટે અને પોતાના ગુરુમંત્રને સાર્થક કરવા સેવાભાવ અને સમાજ માટેનાં ઉત્તમ કાર્યો કરવાની નેમ લીધી હતી. આ દીક્ષાર્થીઓમાં એક મહિલા તબીબે પોતાની સવલતભરી જિંદગી છોડી ભગવો ધારણ કર્યો હતો.
આ અવસરે પોરબંદરનાં વતની અને ગાયનેક મહિલા ડો. જિયા રાઠોડે જણાવ્યું હતું કે, સનાતન ધર્મથી મોટું કંઈ જ નથી અને મૃત્યુ એ બધાનું નિશ્ચિત છે. ત્યારે સદ્ગુરુના આશીર્વાદથી સનાતન ધર્મની રક્ષા માટે આ દીક્ષા ધારણ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે સંસારમાં રહીને ઇશ્વરને પામી ન શકાય અને ભજન પણ ન થઈ શકે. ત્યારે મારા વ્યવસાયમાં ઇમર્જન્સી કામકાજ અને દર્દીઓના કોલ આવે છે. તે બધું છોડી સદગુરુના આશીર્વાદથી સનાતન ધર્મ માટે દીક્ષા ગ્રહણ કરી છે. આ પ્રસંગે મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું કે, જૂનાગઢની પાવન ભૂમિ પર ગિરનારી મહારાજનાં સાંનિધ્યમાં મુચકુંદ ગુફા ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી પંચદશના જૂના અખાડા દ્વારા આ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આે 32થી વધુ લોકોએ અહીં મુચકુંદ ગુફા ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી. અત્યાર સુધી જૂના અખાડાની પરંપરા મુજબ 550થી વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી છે.


comments powered by Disqus