વડોદરાઃ અમેરિકામાં કાર્યરત્ હોય અને એક બિલિયન ડોલર કરતાં વધુ રોકાણ-ટર્નઓવર હોય તેવી કંપનીઓ-સ્ટાર્ટઅપનો અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિકોર્ન ફાઉન્ડેશનમાં સમાવેશ થાય છે. તાજેતરમાં ફાઉન્ડેશને મૂળે ભારતીયો દ્વારા સંચાલિત કંપનીઓના માલિકો કઈ યુનિવર્સિટી-શિક્ષણ સંસ્થામાં ભણ્યા છે તેના આધારે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં ગુજરાતની એકમાત્ર એમ.એસ. યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ વર્ષ દરમિયાન જાહેર થયેલી આ યાદીમાં એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય તેવા 2 પૂર્વ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, જેમાં સામ પિત્રોડા અને અર્પિત જયસ્વાલનો સમાવેશ થાય છે.
આ પ્રતિષ્ઠિત યાદીમાં એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા બે વિદ્યાર્થીની બે કંપનીનો ઓક્ટોબરમાં અને બે કંપનીનો ગત વર્ષની યાદીમાં સમાવેશ થયો હતો. યુનિકોર્ન ફાઉન્ડેશનમાં વડોદરાથી 4 કંપનીઓ આ યાદીમાં સામેલ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારતભરની 16 શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી ચૂકેલા 122 પૂર્વ વિદ્યાર્થીની કંપની આ યાદીમાં છે. જેમાં આઇઆઇટી દિલ્હીના 16, બિટ્સ પિલાનીના 10, આઇઆઇટી મુંબઈના 12 અને આઇઆઇટી કાનપુરના 14 પૂર્વ વિદ્યાર્થી છે. આ ફાઉન્ડેશનની યાદીમાં વિદેશના સૌથી વધુ બિલિયોનેર ભારતમાંથી જ છે. અમેરિકાની 1100થી વધુ યુએસ બેઝ્ડ કંપનીઓના 1997થી 2021ના ડેટાના આધારે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસની મદદથી ગત મહિને આ યાદી જાહેર કરાઈ હતી.
એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અર્પિત જયસ્વાલની ક્યુરેલા કંપની મેડિસિન-હેલ્થકેર સાથે સંકળાયેલી છે. તેનું 1500 જેટલી લેબોરેટરી સાથે ટાઇઅપ છે. જ્યારે સામ પિત્રોડા આ યાદીમાં ફિટવિટી કંપનીના કો-ફાઉન્ડર છે, જે એક ફિટનેસ પ્લેટફોર્મ છે. જેનું મુખ્યાલય લોસ એન્જલસમાં છે. આ ઉપરાંત ગતવર્ષની કંપનીઓમાં વડોદરાના મિહિર શાહની ઓટોમેશન એનિવેર અને અમિષ દિવાતિયાની ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની સાન ફ્રાન્સિસ્કોમાં આવેલી પેફલ કંપનીનો યુનિકોર્ન કંપનીઓમાં સમાવેશ થયો હતો.
