લંડનમાં ચાણસ્માના ખેડૂતપુત્રની લાશ મળતા ચકચારઃ હત્યાનો આરોપ

Wednesday 29th November 2023 06:12 EST
 
 

પાટણઃ ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના ખેડૂત પરિવારનો પુત્ર બે મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. જ્યાં છેલ્લા પાંચ દિવસથી પરિવાર સાથે સંપર્ક તૂટતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે મંગળવારે યુવાનની લાશ મળ્યાના સમાચાર પરિવારજનોને મળતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. માતા-પિતા દ્વારા પોતાના પુત્રની લાશને ભારત લાવવા માટે પાટણના સાંસદનો સંપર્ક કરી સરકાર પાસે રજૂઆત કરી હતી.
ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ પટેલ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર મિત અભ્યાસઅર્થે લંડન જવા માગતો હોવાથી તેમણે 19 સપ્ટેમ્બર 2023ના રોજ સ્ટુડન્ટ વિઝા પર પુત્રને લંડન મોકલ્યો હતો.
લંડન પહોંચ્યા બાદ મિત રોજ તેના પરિવારજનો સાથે ફોન પર સંપર્કમાં રહેતો હતો, પરંતુ છેલ્લા પાંચ દિવસથી મિતનો સંપર્ક ન થતાં પરિવારના લોકો ચિંતિત બન્યા હતા. ત્યારે મંગળવારે અચાનક મિતનો મૃતદેહ મળી આવ્યાના અહેવાલ મળતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, મિતની હત્યા કરાઈ છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, લંડનમાં અભ્યાસઅર્થે ગયેલા મિતનું કોઈએ અપહરણ કરીને તેની હત્યા કરી છે.


comments powered by Disqus