લીલી પરિક્રમા પૂર્ણઃ 13 લાખથી વધુ શ્રદ્ધાળુએ પુણ્યનું ભાથું બાંધ્યું

Wednesday 29th November 2023 05:41 EST
 
 

જૂનાગઢઃ ગરવા ગઢ ગિરનારના ખોળામાં વર્ષોથી ચાલી આવતી પરિક્રમામાં દરવર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ભવનાથની લીલી પરિક્રમા. આ પરિક્રમામાં દરવર્ષે લાખો શ્રદ્ધાળુ પોતપોતાના ગ્રૂપ, પરિવાર અને મિત્રો સાથે આવે છે, ત્યારે આ વર્ષે દેવઊઠી અગિયારસના દિવસે વિધિવત્ રીતે શરૂ થતી પરિક્રમા એક દિવસ અગાઉ શરૂ કરવામાં આવી હતી, જે સોમવારે કાર્તિકી પૂર્ણિમાના દિવસે પૂર્ણ થઈ. તંત્રના જણાવ્યા મુજબ પરિક્રમામાં 13 લાખથી વધુ યાત્રાળુ જોડાયા હતા.
પુણેથી આવેલા યાત્રાળુ અલ્પેશભાઈ પંડ્યાએ જણાવ્યું કે, અમારું આખું ગ્રૂપ પરિક્રમા કરવા માટે આવ્યું હતું. ગિરનારનાં સાંનિધ્યમાં પરિક્રમાની અદભુત અનુભૂતિ અમારા ગ્રૂપે કરી. આ પરિક્રમામાં પોલીસ અને પ્રશાસન પણ ખડેપગે રહ્યાં હતાં. તંત્ર દ્વારા રાત-દિવસ સતત યાત્રાળુઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતા માટે પણ ઘણા સારા પ્રયાસો તંત્ર દ્વારા કરાયા હતા.
ભક્તો દ્વારા ભક્તિભાવ રીતે પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી. આ વખતે વધારે સંખ્યામાં આવેલા ભક્તોમાં પરિક્રમાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, તો સ્થાનિક તંત્ર દ્વારા પણ ખાવા, પીવા, રહેવા અને પ્રાથમિક જરૂરિયાતો પર પૂરતું ધ્યાન અપાયું હતું.
ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણ કરી પરત ફરી રહેલા લોકોએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આ વખતે નાનાં બાળકો અને યુવાનોની સંખ્યા પણ વધારે હતી. પરિક્રમા માર્ગમાં ખાનપાન સહિતની સુવિધાઓનું તંત્ર દ્વારા વિશેષ ધ્યાન રખાયું હતું. જો કે કેટલાક લોકો પોતાના ઘરેથી લોટ-તેલ લાવી જંગલમાં જ રસોઈ બનાવી હતી.
દીપડાએ કર્યું બાળકીનું મારણ
પરિક્રમામાં બોરદેવી પાસેના બાવરકાટ વિસ્તારમાં શુક્રવારે સવારે 6 વાગ્યે લઘુશંકા કરવા ગયેલી 11 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો હતો. બાદમાં વનવિભાગ દ્વારા બાળકીની શોધ હાથ ધરતાં દીપડાએ ફાડી ખાધેલી સ્થિતિમાં તેની લાશ મળી આવી હતી.


comments powered by Disqus