વડોદરાઃ રેલવે અંતર્ગત આવતી કોચ ફેક્ટરીઓમાં ટ્રેનોના કોચ તૈયાર કરવામાં આવે છે, પરંતુ મેટ્રોના કોચ ખાનગી કંપની પાસેથી લેવા પડે છે. આ સંજોગોમાં વંદે મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાની કંપનીએ તૈયાર કરેલી કોચની ડિઝાઇનને રેલવે મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં સરકારી કોચ ફેક્ટરી આઇસીએફ ચેન્નઈ ખાતે આ કોચનું ઉત્પાદન શરૂ થશે. જે સાથે મેટ્રો ટ્રેનના કોચ બનાવવાનું વિદેશી કંપનીઓનું એકચક્રી શાસન પૂર્ણ થશે. વડોદરાની કંપની હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ દ્વારા તૈયાર કરેલી ડિઝાઇનને રેલવે મંત્રાલય મંજૂરી આપી છે, જેમાં પ્રાથમિક તબક્કે મુંબઈ લોકલ ટ્રેનમાં આ કોચ લગાડવામાં આવશે.
કંપનીના જણાવ્યા મુજબ નવેમ્બર મહિનાના અંતથી પ્રોડક્શનનો પ્રારંભ થશે અને માર્ચ મહિના સુધીમાં પ્રથમ રેક તૈયાર થવાની શક્યતા છે. જો આ સમગ્ર કવાયત સફળ રહેશે તો સરકારી કંપનીઓ જ દેશના વિવિધ મેટ્રો પ્રોજેક્ટ અને લોકલ ટ્રેન માટેના કોચ તૈયાર કરશે, જે રેલવેમાં નવું એક દિશાનિર્દેશન કરશે. નવી ડિઝાઇનના કોચ એસીથી સજ્જ હશે. ઉલ્લેખનીય છે કે, હાલ સાવલી પાસે આવેલી કંપની મેટ્રો ટ્રેનના કોચ બનાવી રહી છે. અમદાવાદ, ભોપાલ અને અન્ય શહેરો માટે પણ આ કંપની દ્વારા જ કોચ બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં 20 લાખની વસ્તી ધરાવતાં તમામ શહેરોમાં
મેટ્રો ચલાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે.

