પાટણઃ વિશ્વમાં સૌપ્રથમ ખાવાની લીલી ડુંગળીની ફેંકી દેવામાં આવતી છાલનાં રસમાંથી અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાનું સફળ સંશોધન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં અશુદ્ધ પાણી વ્યર્થ જાય તેના બદલે તેનું શુદ્ધિકરણ કરી ફરી વપરાશમાં લઈ શકાય અને અશુદ્ધ પાણીના કારણે થતા કેન્સર જેવા ગંભીર રોગ અટકાવી શકાય તેવા ઉદ્દેશથી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઇફ સાયન્સ વિભાગના પ્રો. ડો. આશિષ પટેલના માર્ગદર્શન હેઠળ ડો. નિશા ચૌધરી અને ડો. વીરેન્દ્રકુમાર યાદવની ટીમ દ્વારા લીલી ડુંગળીની ફેંકી દેવામાં આવતી છાલનો ઉપયોગ કરીને ઝિંક ઓક્સાઇડના નેનો પાર્ટિકલ્સનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનને આંતરરાષ્ટ્રીય કક્ષાની ટોપ ટેન એમડીપીઆઇની જનરલમાં પ્રકાશિત થયું છે.
ડુંગળીની છાલથી રાસાયણિક પ્રકિયા દ્વારા તૈયાર ઝિંક ઓક્સાઇડના નેનો પાર્ટિકલ્સથી પ્રદૂષિત પાણીમાંથી હાનિકારક જૈવિક અશુદ્ધિને સૂર્યપ્રકાશમાં બે કલાકમાં જ શુદ્ધ કરી શકાય છે.
સંશોધન પદ્ધતિ
સૌપ્રથમ લીલી ડુંગળીની છાલ લઈ સૂકવી દેવાય છે, જેમાંથી બાદમાં રસ તૈયાર કરવામાં આવે છે. ત્રીજા સ્ટેપમાં રસને ઝિંક સાથે રાસાયણ મિક્સ કરીને ઝિંકના અતિસૂક્ષ્મ કણો બનાવી લેવામાં આવે છે. તૈયાર કરવામાં આવેલા આ ઝિંકના સૂક્ષ્મ કણોને કંપનીઓમાંથી છોડાયેલા દૂષિત પાણીમાં નાખી સૂર્યપ્રકાશ મળે એ રીતે મૂકવામાં આવે છે. આ પ્રક્રિયાના બે કલાક બાદ અશુદ્ધ તત્ત્વો સૂક્ષ્મકણો સાથે મળી નીચે જમા થઈ જાય છે અને દૂષિત પાણી શુદ્ધ થઈ જાય છે.

