આર્થિક વૃદ્ધિ માટે હવે મલેશિયા પણ શ્રીલંકા અને થાઇલેન્ડના માર્ગ પર આગળ વધ્યું છે. મલેશિયાએ પણ ભારતીય નાગરિકોને 30 દિવસ માટે નિઃશુલ્ક વિઝા આપવાની જાહેરાત કરી છે.
• બારામુલ્લાથી લશ્કરના 3 આતંકી સહયોગીની ધરપકડ: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાથી સુરક્ષાદળોએ લશ્કર-એ-તોઇબા સાથે સંકળાયેલા 3 આતંકી સહયોગીની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયાર, દારૂગોળો સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે.
• દુર્લભ બીમારીની રૂ. 2.2 કરોડની દવા રૂ. 5 લાખમાં મળશે: ભારતમાં 4 દવાના માર્કેટિંગની મંજૂરી અપાતાં દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહેલા દર્દીઓને આયાતી મોંઘી દવા સામે સસ્તી દવા મળશે. જે અંતર્ગત રૂ. 2.2 કરોડની કિંમતની દવા રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખમાં જ મળી રહેશે.
• આદિત્ય એલ-1 તેના લક્ષ્યની નજીક પહોંચ્યું: સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલા ભારતના પ્રથમ અંતરીક્ષ યાન આદિત્ય એલ-1 પોતાના છેલ્લા ચરણમાં છે અને આ યાન ટૂંક સમયમાં જ પોતાના લક્ષિત પોઇન્ટ સુધી પહોંચી જશે.
• પતંજલિ યોગપીઠ અને ભારતીય સેના વચ્ચે સમજૂતી: હવે ભારતીય સેનાના જવાનોને પણ બાબા રામદેવના યોગ, આયુર્વેદ ઉપચાર અને વેલનેસનો લાભ મળશે. વાસ્તવમાં પતંજલિ યોગપીઠે ભારતીય સેના સાથે એમઓયુ કર્યા છે.
• નિવૃત્ત સૈનિકોને આતંકી બનાવતું પાકિસ્તાન: કલમ 370 દૂર કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકી બનનારા યુવાનોની સંખ્યા નહિવત્ થઈ ગઈ હોવાથી પાકિસ્તાન તેના નિવૃત્ત સૈનિકોને આતંકી બનાવી જમ્મુ-કાશ્મીરમાં ઘુસાડી રહ્યું છે.
• તાજ હોટેલમાંથી 15 લાખ ગ્રાહકોનો પર્સનલ ડેટા લીક: ટાટા ગ્રૂપની માલિકીની તાજ હોટેલમાંથી ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર ડેટા લીકમાં લગભગ 15 લાખ લોકોની અંગત માહિતી લીક થઈ છે.
• મધ્ય-પૂર્વમાં વિમાનોના જીપીએસ સિગ્નલ ગાયબ થવાની ઘટનામાં વધારો: મધ્ય-પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના જામ થવાના કિસ્સા વધતાં ડીજીસીએએ એરલાઇન્સને ચેતવણી આપી છે.
• નીરવ મોદી સાથે સંકળાયેલી 18 મિલકતો રિલીઝ કરવા આદેશ: પીએનબી કૌભાંડ કેસમાં ભાગેડુ નીરવ મોદી અને તેની કંપનીઓની રૂ. 71 કરોડથી વધુ કિંમતની 18 સંપત્તિને બેન્ક અને લિક્વિડેટર્સના પક્ષે મુક્ત કરવા બુધવારે આદેશ કર્યા હતા.
• પ્રધાનમંત્રી પર વિવાદિત ટિપ્પણી મુદ્દે રાહુલને નોટિસ: રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં પ્રધાનમંત્રીને પનોતી કહેતાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.
• સાંસદ લોગઇન-પાસવર્ડ કોઈને નહીં આપી શકે: સાંસદ મહુઆ મોઇત્રા સામેના કેશ ફોર ક્વેરી કેસ બાદ સાંસદ લોગઇન-પાસવર્ડ કોઈને નહીં આપી શકે. લોગઇન થતાં જ તેના મોબાઇલમાં આવેલા ઓટીપીથી જ તેને ઓપરેટ કરી શકાશે.

