સુરતમાં હવે પોલિશિંગ સાથે ટ્રેડિંગ પણ થશેઃ કસ્ટમ હાઉસ કાર્યરત્

Wednesday 29th November 2023 06:03 EST
 
 

સુરતઃ હીરાની ચમક માટે સુરત વર્ષોથી વિશ્વભરમાં જાણીતું છે. ગુજરાતની આ ઓળખને વધુ સુંદર બનાવવા માટે હાલમાં જ સુરતમાં ડાયમંડ બુર્સનાં શ્રીગણેશ કરવામાં આવ્યાં. તો સાથોસાથ હવે ત્યાં જ કસ્ટમ હાઉસ પણ કાર્યરત્ થઈ જતાં સુરતની શોભામાં મોરપિંચ્છ ઉમેરાયું છે. ઉલ્લેખનીય છે કે દેશને વિદેશી હુંડિયામણ અપાવવામાં સુરતનો હીરાઉદ્યોગ મોટો ભાગ ભજવી રહ્યો છે. અત્યાર સુધી મેન્યુફેક્ચરિંગ સુરતમાં થતું હતું, પરંતુ કસ્ટમ હાઉસ ન હોવાના કારણે ટ્રેડિંગ માટે મુંબઈનો સહારો લેવો પડતો હતો. જો કે હવે કસ્ટમ હાઉસ કાર્યરત થતાં સુરતમાં મેન્યુફેક્ચરિંગની સાથે ટ્રેડિંગ પણ થઈ શકશે.
મુંબઈ ટ્રેડિંગ પાછળ અનેક કારણો
સુરત શહેરમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ થતું હતું, પરંતુ ટ્રેડિંગ માત્ર મુંબઈથી જ કરવામાં આવતું હોવા પાછળ અનેક કારણો જવાબદાર હતાં. તેમાં મુખ્ય કારણ કસ્ટમ ક્લિયરન્સને પણ માનવામાં આવતો હતો. વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. પરિણામે કસ્ટમ ક્લિયરિંગના અભાવને લીધે મોટાભાગના હીરાઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ મુંબઈથી જ ટ્રેડિંગ કરવાનું યોગ્ય માનતા હતા. હીરા ઉદ્યોગમાં જેટલી પણ અડચણ હતી તેને હવે ઉકેલવામાં આવી રહી છે.
ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં ખૂબ સરળતા રહેશે
સુરતમાં હવે કસ્ટમ ક્લિયરન્સની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. કસ્ટમ હાઉસ અહીં જ ઊભું થઈ ગયું હોવાથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવામાં ખૂબ સરળતા રહેશે. ગુજરાત સરકારને પણ ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. જે પણ કંપનીઓ અહીંથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરશે તેની ફાઇલ પણ અહીં જ તૈયાર થશે. કસ્ટમ હાઉસને કારણે ગુજરાત સરકારને મોટી આવક ઊભી થવા જઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પડકાર
સુરતઃ સુરતનો હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિદેશ સાથે સંકળાયેલો છે. સુરત મેન્યુફેક્ચરિંગ છે અને મોટાભાગના હીરા એક્સપોર્ટ થાય છે. અત્યાર સુધી કસ્ટમ ઓફિસ અને આંતરરાષ્ટ્રીય હવાઇસેવાની સીધી સુવિધા મળવાના કારણે મુંબઈ હીરા ઉદ્યોગકારોની પ્રથમ પસંદગી રહી છે. વર્લ્ડ ક્લાસ ડાયમંડ બુર્સ તો તૈયાર થઈ ગયું અને કસ્ટમ ઓફિસ પણ કાર્યરત્ થઈ ગઈ, પરંતુ આજેપણ વિદેશી ઉદ્યોગકારો સીધા સુરત પહોંચે તેના માટેની કોઈ વ્યવસ્થા નથી. હાલ ડાયમંડ બુર્સ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા સૌથી મોટો પડકાર છે. જો ફ્લાઇટ સેવા શરૂ નહીં કરાય તો સુરત ડાઈમંડ બુર્સ સફેદ હાથી સાબિત થશે.
આ કારણે સ્થાનિક વેપારીઓ દ્વારા સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાની માગણી ઊઠી રહી છે. વેપારીઓની માગણીને ધ્યાને રાખી અને સુરતને હીરા ઉદ્યોગનું હબ બનાવવાની નેમ ઉઠાવી ચૂકેલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપી શકે છે.


comments powered by Disqus