આણંદમાં રૂ. 180 કરોડના ખર્ચે બનશે અદ્યતન સિવિલ હોસ્પિટલ

Wednesday 17th May 2023 05:38 EDT
 
 

આણંદઃ આણંદમાં સિવિલ હોસ્પિટલ નિર્માણનો મુદ્દો અકારણ ઉછળ્યો છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય પક્ષો દ્વારા તેની તૈયારી પણ થવા લાગી હોવાનું જણાઈ આવે છે. આણંદ સિવિલ હોસ્પિટલ નિર્માણની ધીમી ગતિએ ચાલતી કામગીરીને વિપક્ષ મુદ્દો ન બનાવે અને વિલંબિત વિકાસકાર્યને લઈ પ્રજામાં રોષ ન પ્રગટે તે ધ્યાન રાખવું પણ મહત્ત્વનું છે. આણંદ કલેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલ નિર્માણની રૂપરેખા અને સુવિધા બાબતે જાણકારી આપવામાં આવી હતી.
ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળનું
આણંદમાં છેલ્લાં 20વર્ષ ઉપરાંતથી સિવિલ હોસ્પિટલ નિર્માણ ચૂંટણી મુદ્દો બની ગયો છે. પ્રજામાં પણ આ કારણે ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીએ આણંદ ખાતે બનાવવામાં આવનારી અદ્યતન સિવિલ હોસ્પિટલ અંગે વાતચીતમાં જણાવ્યું હતું કે. સિવિલ હોસ્પિટલનું ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળનું રાખવામાં આવશે, જ્યારે હોસ્પિટલ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં જો વધુ ફ્લોર બનાવવા હોય તો બની શકે તેવું ફાઉન્ડેશન શરૂઆતથી જ તૈયાર કરવામાં આવશે.
બાજુમાં 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલ સાઇટ પર રસ્તા અને ભવિષ્યમાં એર એમ્બુલન્સ માટે કૃષિ યુનિવર્સિટીમાં લેન્ડિંગની સુવિધા મળશે. હોસ્પિટલની બાજુમાં 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ સિવિલ હોસ્પિટલ ખાતે કોર્પોરેટ હોસ્પિટલ કરતાં વધુ અદ્યતન સાધનો પણ ઉપલબ્ધ બનશે.
સરકારની રૂ. 180 કરોડની ફાળવણી
આ હોસ્પિટલ બનાવવા પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂ. 180 કરોડ જેટલી રકમની ફાળવણી કરાશેે. હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રિસિટીની બચત માટે સોલાર રૂફટોપ લગાવાશે. આણંદ સિવિલ હોસ્પિટલ કુલ 29,761.56 ચો.મીટર વિસ્તારમાં તૈયાર થશે, જેમાં 240 બેડની સુવિધા પણ મળશે. આયુર્વેદિક હોસ્પિટલમાં 50 બેડ પંચકર્મની સુવિધા સાથે ઉપલબ્ધ થશે.
86 કાર પાર્કિંગની સુવિધા તૈયાર કરાશે
હોસ્પિટલની ઇમારતના ઇમર્જન્સી, રેડિયોલોજી, રજિસ્ટ્રેશન, ફાર્મસી, લેબર એરિયા અને ઓર્થોપેડિક, પીડિયાટ્રીક, ગાયનેક, જનરલ અને ડેન્ટલ સંલગ્ન ઓપીડી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત એનઆઇસીયુમાં 16 બેડ, પીઆઇસીયુમાં 6 બેડ, સાઇકોલોજી ઓપીડી, ફિઝિયોથેરાપી ઓપીડી, સ્કીન ઓપીડી અને એનઆરસી ઓપીડીની સુવિધા, 10 બેડ ધરાવતો બર્ન વોર્ડ, 25 બેડ ધરાવતા આઇસીયુયુ અને એસઆઇસીયુ, 4 સ્પેશિયલ રૂમ, 4 ઓટીની સુવિધા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત 10 આઇસોલેશન વોર્ડ, 3 પ્રિઝનર વોર્ડ, બ્લડ બેન્ક, એડમિન ઓફિસ, કિચન અને ડાઇનિંગની વ્યવસ્થા ઊભી કરાશે.


comments powered by Disqus