કચ્છ: અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સહભાગી થયા હતા. આ પ્રસંગે પીએમએ કહ્યું કે, કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. ભારતના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં કચ્છી માડુઓની હાજરી અચૂક હોય જ છે. "કચ્છડો ખેલે ખલક મેં..." ઊક્તિ સાથે સંબોધન કરતાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, આજે મારા માટે સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ છે, કારણ કે શારદાપીઠ જગતગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
વધુમાં કચ્છી કડવા પાટીદાર સમાજની સિદ્ધિને બિરદાવતાં જણાવ્યું હતું કે, સમાજની સેવાનાં 100 વર્ષનો પુણ્યકાળ, યુવા પાંખનાં 50 વર્ષ અને મહિલા પાંખના 25 વર્ષ પૂર્ણાહુતિનો આ ત્રિવેણી સંગમ એક સુખદ સંયોગ છે. જ્યારે કોઈપણ સમાજના યુવાનો, માતાઓ, બહેનો પોતાના સમાજની જવાબદારી પોતાના જ ખભા પર લે છે, ત્યારે માની લેવું જોઈએ એ સમાજની સફળતા અને સમૃદ્ધિ નક્કી થઈ જાય છે. આનંદ સાથે તેમણે કહ્યું કે, સનાતન માત્ર એક શબ્દ નથી પણ નિત્ય નૂતન છે, પરિવર્તનશીલ છે. જેમાં વીતેલી કાલથી પોતાને વધારે સક્ષમ બનાવવાની ચેષ્ટા છે. આથી જ સનાતન અજર અમર છે.

