દક્ષિણના દ્વારેથી ભાજપની એક્ઝિટઃ વર્ષો બાદ કોંગ્રેસનો ભવ્ય વિજય

Tuesday 16th May 2023 07:11 EDT
 
 

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે લિટમસ પેપર ટેસ્ટ સમાન બની રહી. કર્ણાટક વિધાનસભાનું પરિણામ આવતાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. 10મે 2023ના રોજ કર્ણાટકની જનતાએ રેકોર્ડબ્રેક 73.79 ટકા જેટલું જંગી મતદાન કર્યું હતું. 13 મેએ પરિણામ આવતાં આ મતદાન ભાજપના બદલે કોંગ્રેસને ફાયદો કરાવનારું સાબિત થયું હતું. કર્ણાટક વિધાનસભાના પરિણામમાં કોંગ્રેસે એકલા હાથે 224 પૈકી 136 બેઠક પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. જ્યારે ભાજપ 65 બેઠક પર સીમિત થઈ ગયો હતો. આ સિવાય જેડીએસને 19 અને અન્ય પક્ષોને 4 બેઠક મળી હતી.
કર્ણાટકમાં પ્રેમની દુકાન ખૂલીઃ રાહુલ ગાંધી
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અમે ગરીબોના મુદ્દા પર લડ્યા છીએ. કર્ણાટકની જનતાએ જણાવી દીધું છે કે મહોબ્બત આ દેશને સારી લાગે છે. કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ છે અને પ્રેમની દુકાન ખૂલી છે. આ માત્ર કોંગ્રેસની નહીં, કર્ણાટકની જનતાની પણ જીત છે. અમે કર્ણાટકની જનતાને પાંચ વાયદા આપ્યા હતા, જે તમામ વાયદા પ્રથમ કેબિનેટમાં જ પૂર્ણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીનો નિર્ણય કરશે હાઇકમાન્ડ
કોંગ્રેસે કર્ણાટકમાં મેળવેલી મોટી જીત બાદ મુખ્યમંત્રીપદ માટે ડી.કે. શિવકુમાર અને સિદ્ધારમૈયા અંગેનું મોટું સસ્પેન્સ સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે ડી.કે. શિવકુમાર કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ પદ પર છે અને સિદ્ધારમૈયા કર્ણાટકના કદાવર નેતા માનવામાં આવે છે. આ સ્થિતિમાં બંને નેતાઓ મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, જેથી બંને પૈકી એકને મુખ્યમંત્રી બનાવવા મોટો પડકાર બની રહેવાનો છે. આ નિર્ણય આખરી તબક્કામાં કોંગ્રેસ હાઇકમાન્ડ પર છોડવામાં આવ્યો છે.
બજરંગબલીની કોંગ્રેસ ઓફિસમાં એન્ટ્રી
કર્ણાટક વિધાનસભામાં બજરંગબલીનો મુદ્દો ભાજપ દ્વારા ખૂબ ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં બજરંગદળ પર પ્રતિબંધનો વાયદો કર્યો હતો. કોંગ્રેસના આ મુદ્દાને જ ભાજપે પોતાનો મુદ્દો બનાવી દીધો અને મુદ્દાને બજરંગબલી સાથે જોડી દીધો હતો અને કોંગ્રેસને બજરંગબલીના વિરોધી કહીને સંબોધ્યા હતા, જે અંતર્ગત પ્રધાનમંત્રીની તમામ 16 સભા અને 6 રોડ શોમાં જય બજરંગબલીનો નારો ગૂંજ્યો હતો. જો કે કોંગ્રેસે બહુમતી સાબિત કરતાં જ એક કાર્યકર બજરંગબલીનો વેશ ધારણ કરીને કોંગ્રેસ ઓફિસે આવ્યો હતો.
ભાજપનું આંતરિક યુદ્ધ ભારે પડ્યું
ભાજપે કર્ણાટકમાં યેદિયુરપ્પાના હાથમાંથી સત્તા લઈને બસવરાજ બોમાઈના હાથમાં સોંપી, પરંતુ એકતાની જગ્યાએ પાર્ટીમાં આંતરિક વિવાદો વધવા લાગ્યા, જેના પરિણામે લિંગાયત નેતા જગદીશ શેટ્ટાર જેવા મોટા ખ્યાતનામ નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો. આ સિવાય ટિકિટની વહેંચણીમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. બીજી તરફ કોંગ્રેસે ભ્રષ્ટાચારના મુદાને ઉઠાવ્યો જેનો બોમાઈ સરકાર મજબૂતીથી સામનો ન કરી શકી.
શું રહ્યું છે કર્ણાટકનું રાજકારણ?
કર્ણાટકમાં 29 મે 2018ના રોજ કોંગ્રેસ દ્વારા સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું. જો કે 15 ધારાસભ્યોના અસંતોષના કારણે 2019માં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી, જેમાં ભાજપ દ્વારા બહુમતી સિદ્ધ થતાં ભાજપની સરકારનું ગઠન કરાયું હતું અને કોંગ્રેસને સાઈડલાઈન થવું પડ્યું હતું.


comments powered by Disqus