દ્વારકાઃ દ્વારકામાં આવેલા જગવિખ્યાત જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશ પર ડાયરાની જેમ પૈસા ઉડાવાતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. મંદિરમાં દર્શનાર્થે આવેલા યુવાનો દ્વારા ભગવાન સામે રૂપિયા ઉડાવાયા હતા. આ સમયે ત્યાં પૂજારી પણ હાજર હતા. મંદિરમાં મોબાઇલ લઈ જવાની છૂટ નથી, ત્યારે મોબાઇલમાં વીડિયો ઉતર્યો કેવી રીતે અને વાઇરલ કેવી રીતે થયો? આ બાબતને જગતમંદિરની સુરક્ષામાં ચૂક ગણીને તપાસ શરૂ કરાઈ છે. બીજી તરફ વીડિયોમાં દેખાતા પૂજારીઓને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દ્વારકા જગતમંદિરમાં મોબાઇલ ફોન કે કોઈપણ ઇલેક્ટ્રોનિક સામાન લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ થોડા દિવસ અગાઉ કોઈ વીવીઆઇપી દ્વારા આરતી દરમિયાન દ્વારકાધીશ પર રૂપિયા ઉડાવવ્યાનો વીડિયો વાઇરલ થયો હતો.
પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયાએ જણાવ્યું કે, મંદિરમાં મોબાઇલ લઈ જવો જાહેરનામાનો પ્રતિબંધ છે, ત્યારે કોણ મોબાઇલ લઈ ગયું હતું તે તપાસનો વિષય છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

