પાક.માં ગૃહયુદ્વ જેવી સ્થિતિને પગલે કચ્છ બોર્ડર પર હાઈએલર્ટ

Wednesday 17th May 2023 06:29 EDT
 
 

ભુજઃ પાકિસ્તાનમાં તેના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ભારત પણ સમગ્ર સ્થિતિ પર બાજનજર રાખી રહ્યું છે. પાક.માં આંતરિક અશાંતિનો ફાયદો ઉઠાવી ભારતમાં ઘૂસણખોરી કે કોઈપણ પ્રકારનું કાવતરું કરવામાં ન આવે તેના માટે ભારતીય દળના તમામ લેવલે એલર્ટ અપાયું છે. સૂત્રો મુજબ મંગળવારથી પાક.ને સાંકળતી કચ્છથી કાશ્મીર સુધીની બોર્ડરને એલર્ટ મોડ પર રખાઈ છે. મંગળવારે રાતથી જ રાજસ્થાન અને ગુજરાતની લેન્ડ બોર્ડર પર તહેનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના તમામ યુનિટ કમાન્ડર્સને વિશેષ સાવધાની રાખવા સૂચના આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં ખાસ કરીને કચ્છમાં પણ બુધવાર સવારથી આર્મી તેમજ એરફોર્સની અસામાન્ય મૂવમેન્ટ જોવા મળી હતી. ભારતીય સેનાની ક્વિક રિએક્શન ટીમ દ્વારા ભુજના સિવિલ એરિયામાં પેટ્રોલિંગ કરાયું હતું. QRT તેના કેન્ટ એરિયામાં તથા તેની આસપાસ પેટ્રોલિંગ કરે છે, તેવી જ રીતે બુધવાર સવારથી ભુજ તેમજ નલિયા એરબેસ પરથી લડાકુ વિમાનની કવાયત બપોર સુધી ચાલુ રહી હતી.


comments powered by Disqus