ભરૂચઃ ભરૂચ શહેર તથા જિલ્લામાંથી હજારો લોકો યુનાઇટેડ કિંગડમમાં સ્થાયી થયા છે, ત્યારે માન્ચેસ્ટર નજીક આવેલા આસ્ટન શહેરની કાઉન્સિલની ચૂંટણીમાં મૂળ ભરૂચના વતની વિમલ ચોકસી વિજેતા બન્યા છે. આ કાઉન્સિલમાં ચાલીસ વર્ષમાં પ્રથમ વખત એક ભારતીયનો પ્રવેશ થયો છે. સમાજ અને રાષ્ટ્ર માટે ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા બદલ તેમને બ્રિટિશ એમ્પાયરનો સર્વોચ્ચ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
મૂળ આમોદના વતની અને વર્ષોથી ભરૂચમાં સ્થાયી થયેલા પ્રવીણ ચોકસીના પુત્ર વિમલ ચોકસી અભ્યાસ માટે 2004માં યુનાઇટેડ કિંગડમ ગયા હતા. તેમણે ભારતમાં એમએસસી-આઇટીનો અભ્યાસ કર્યો હતો અને વધુ અભ્યાસ માટે વિદેશ તરફ પ્રયાણ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી તેઓ ઓલ્ડહામ કાઉન્સિલમાં ફરજ બજાવતા હતા અને સાથેસાથે સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા હતા.
માન્ચેસ્ટર પાસે આસ્ટનમાં ઇન્ડિયન એસોસિયેશનના તેઓ સેક્રેટરી છે. તાજેતરમાં આસ્ટન શહેરની કાઉન્સિલની ચૂંટણીમાં તેમણે લેબર પાર્ટી તરફથી ઉમેદવારી કરી હતી તેમણે તેમની હરીફ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારને બે ગણા મતથી હરાવી જીત મેળવી છે. બ્રિટિશ સરકારના ત્રણ સર્વોચ્ચ એવોર્ડ એટલે કે મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય અને એશિયન તરીકેનું બિરુદ પણ મળ્યું છે. વિશ્વયુદ્ધમાં કિંગ જ્યોર્જની યાદમાં રાષ્ટ્રની સુરક્ષા માટે શ્રેષ્ઠ કાર્ય કરનારાને આ એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ હતી.
