લલિયા મુસ્લિમ પરિવારે કર્યું રામજી મંદિરનું નિર્માણ

Tuesday 16th May 2023 05:33 EDT
 
 

સાવરકુંડલાઃ ધારીના ઝર ગામે રામલલ્લાના મંદિર માટે જમીનથી લઈને નવા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા એક મુસ્લિમ પરિવારે કરી હતી અને એ રામજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંતો - મહંતો અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
અમરેલી જિલ્લાના ધારી ગીરના ઝર ગામની વસ્તી 1200ની છે અને ગામમાં કોમી એકતાની મિસાલ આ રામજી મંદિર બન્યું છે. ઝર ગામમાં સત્તાધારના સંત આપાગિગાના વારસદારો રહે છે. લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે પણ આપાગિગાના કારણે હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા અને ઊર્મિઓ હજુ અકબંધ જોવા મળે છે. લલિયા પરિવારના મોભી ગણાતા દાઉદભાઈ લલિયા અને તેમના સહપરિવાર કુટુંબ દ્વારા પોતાના આંગણામાં વર્ષો જૂનું રામજી મંદિર તાઉતે વાવાઝોડામાં સાવ જર્જરિત થઈ ગયું હતું, જે મંદિરના સ્થાને વિશાળ મંદિર સ્થપાય અને તેમાં સંતો-મહંતો ને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહીને ચાર ચાંદ લગાવે તેવી ધગશ દાઉદભાઈ અને તેમના ભાઈઓ અને ભત્રીજાઓએ વ્યક્ત કરી હતી.
તદ્અનુસાર રામજી મંદિરનું નિર્માણકાર્ય સંપન્ન થતાં મહંત વિજયબાપુ, રામાયણી કથાકાર મોરારિબાપુ, જૂનાગઢ શેરનાથ બાપુની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધર્મસભા પણ યોજાઈ હતી.
દાઉદભાઈ મુસ્લિમ હોવા છતાં રામ ભગવાનમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી અને પોતાના આંગણામાં રામજી મંદિર સ્થાપ્યું હતું, ત્યારે સહકારી ક્ષેત્રના દિલીપ સંઘાણી, વિરજીભાઈ ઠુમ્મર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કોંગી દિગ્ગજ સ્વ. અહેમદભાઈ પટેલની દીકરી મુમતાઝ પટેલ અને પ્રસિદ્ધ હાસ્યકલાકાર માયાભાઈ આહિરે દાઉદભાઈની હિન્દુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન રામ પ્રત્યેની આસ્થાને બિરદાવી હતી. અને દેશમાં એક નવતર ચિલો ચાતર્યો હોવાનું જણાવ્યું હતું.
મોરારિબાપુએ મંદિરમાં સવા લાખ અર્પણ કર્યા
કથાકાર મોરારિબાપુએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, મુસ્લિમ દાઉદભાઈ લલિયા અને લલિયા પરિવારજનોની ભગવાન રામ પ્રત્યેની લાગણીઓ ઝર ગામમાં અમીસ્વરૂપે વરસી પડી છે. આ નિમિત્તે મોરારિબાપુએ રામજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારીને રૂપિયા સવા લાખ અર્પણ કર્યા હતા. મોરારિબાપુએ કહ્યું કે, આજે દેશમાં કોમી ભેદભાવ અને જ્ઞાતિઓ પ્રત્યેનાં દૂષણો ઘર કરી ગયાં હોય ત્યારે ગાંધીના ગુજરાતમાં ધારી ગીરનું ઝર ગામ એક કોમી એકતામાં ઉદાહરણ બન્યું છે.


comments powered by Disqus