નવી દિલ્હીઃ ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગસમાન કર્ણાટકની ચૂંટણી યોજાઈ ગઈ છે અને તેનાં પરિણામો પણ જાહેર થઈ ગયાં છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં હવે આ વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને કારણે દેશનું રાજકારણ ધમધમતું રહેશે. લોકસભાની સાથે ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. આમ રાજકીય મંચ પર ગરમાવો ચાલુ રહેશે.
પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાશે, આથી રાજકીય હલચલ યથાવત્ જ રહેશે. 2023માં સૌપહેલા નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં ચૂંટણીઓ યોજાવાની છે. તે પછી 2023ના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી 2024 સુધીમાં પાંચ રાજ્યો મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાની મુદત પૂરી થઈ રહી છે, તેથી નવી વિધાનસભા રચવા ત્યાં પણ ચૂંટણી યોજાશે.
મિઝોરમ વિધાનસભાની મુદત 17 ડિસેમ્બરે પૂરી થશે
40 ધારાસભ્યો ધરાવતી મિઝોરમ વિધાનસભાની મુદત 17 ડિસેમ્બરે પૂરી થાય છે, જ્યારે છત્તીસગઢ વિધાનસભાની મુદત 3 જાન્યુઆરી 2024ના રોજ અને મધ્યપ્રદેશ વિધાનસભાની મુદત 6 જાન્યુઆરીએ પૂરી થાય છે. રાજસ્થાન વિધાનસભાની મુદત 14 જાન્યુઆરી અને તેલંગાણાની 16 જાન્યુઆરી 2024એ પૂરી થાય છે. આવા સંજોગોમાં પાંચેય રાજ્યોમાં એકસાથે ચૂંટણી યોજાવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાઈ શકે
જમ્મુ-કાશ્મીરમાં પણ સરકાર દ્વારા ગમે ત્યારે ચૂંટણી યોજવા જાહેરાત કરાઈ શકે છે. 31 ઓગસ્ટે ત્યાં અમરનાથ યાત્રા પૂરી થાય પછી ગમે ત્યારે ચૂંટણી થઈ શકે છે. 2024ના જૂન સુધીમાં આંધ્રપ્રદેશ, અરુણાચલપ્રદેશ અને ઓડિશામાં પણ ચૂંટણી યોજવી પડે તેમ છે.

