વડોદરામાં દેશનું પ્રથમ ઇન્ડો-ઇઝરાયેલ કલ્ચરલ સેન્ટર બનશે

Wednesday 17th May 2023 05:41 EDT
 
 

વડોદરાઃ વડોદરાના નિઝામપુરામાં દેશના પ્રથમ ઇન્ડો-ઇઝરાયેલ કલ્ચરલ સેન્ટરનું નિર્માણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરના 148 વર્ષ જૂના યહૂદી લોકો માટેના કબ્રસ્તાનની સાઇટ પર આ સેન્ટર બનશે. આ ઇમારત સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી એટલે કે ગ્રીન બિલ્ડિંગ હશે. લગભગ 4000 ચોરસફૂટમાં નિર્માણાધીન આ સેન્ટરની ડિઝાઇન યહૂદી બાંધકામના નિષ્ણાત આર્કિટેક્ટ વોકનર તૈયાર ક૨શે, જેમની સાથે વડોદરાના યુવા આર્કિટેક્ટ હેત પંડિત પણ જોડાશે. આ ઇમારત તૈયાર થતાં વડોદરાના પર્યટનમાં વધુ એક જોવાલાયક સ્થળનું આકર્ષણ ઉમેરાશે. આ સેન્ટર આગામી વર્ષના ડિસેમ્બર સુધીમાં તૈયાર થશે.
ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયેલ સંસ્થાના નિકિતન કોન્ટ્રાક્ટર કહે છે કે, ગુજરાત સરકાર, ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયેલ અને ઇઝરાયેલી દૂતાવાસના સંયુક્ત ઉપક્રમે આ સેન્ટર રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર થશે. આ બિલ્ડિંગની ડિઝાઇન સ્ટાર ઓફ ડેવિલના શેપ ૫૨થી પ્રેરિત હશે.
આ કલ્ચરલ સેન્ટરના દરેક રૂમની થીમ જુદી છે, જેમાં ઇઝરાયેલી ઇતિહાસ, સંસ્કૃતિ, ભારતના વિકાસમાં ઇઝરાયેલી લોકોનું પ્રદાન અને યહૂદી કલા- સંસ્કૃતિની થીમનો સમાવેશ થાય છે. છેલ્લા એકાદ વર્ષથી આ સેન્ટર માટે શહેરના ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયેલ સંસ્થા દ્વારા પ્રયાસો ચાલી રહ્યા હતા, જેમાં વડોદરા મનપા ઉપરાંત ઇઝરાયેલ દૂતાવાસ સાથે આ સેન્ટરની થીમ અને બાંધકામના મુદ્દે ચર્ચા થઈ હતી. આ કલ્ચરલ સેન્ટર જ્યારે ખુલ્લું મુકાશે ત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.


comments powered by Disqus