અનુજ પટેલ કોમામાંથી બહારઃ વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો

Wednesday 17th May 2023 05:41 EDT
 

અમદાવાદઃ બ્રેઇન સ્ટ્રોક બાદ હિન્દુજા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અનુજનું 16 મેએ હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું કે અનુજની તબિયતમાં સુધારો છે અને તેઓ કોમામાંથી બહાર આવી ગયા છે. અનુજને અપાતો વેન્ટિલેટર સપોર્ટ પણ હટાવી દેવાયો છે. અનુજને ટૂંક સમયમાં ફિઝિયોથેરાપી કોકિલાબહેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ અનુજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીના સાદગીભર્યા જીવનનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે, મુખ્યમંત્રીનું આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.

આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓને અમેરિકન વિઝા મળશે

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ ગાંધીઆશ્રમની મુલાકાત પ્રસંગે ખાતરી આપી હતી કે, આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં ભારતના વિદ્યાર્થીઓને અમેરિકા અભ્યાસ માટેના વિઝા મળશે. ત્રણ જ સપ્તાહમાં અમેરિકન કોન્સ્યૂલેટમાં સ્ટુડન્ટ વિઝાની પહેલી બેચ ખૂલવાની છે.

પાકિસ્તાનથી 188 માછીમારો સૌરાષ્ટ્ર પહોંચ્યા

રાજકોટઃ પાકિસ્તાનની જેલમાં રહેલા 188 ગુજરાતી માછીમારોના સમૂહને મુક્ત કરાતાં 12 મેએ તેઓ વડોદરા ખાતે પહોંચ્યા હતા. વડોદરા ખાતે તેમનુંું ટ્રેન મારફતે આગમન થતાં મંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનોએ હારતોરાં કરી સ્વાગત કર્યું હતું.

ડુંગળીએ ખેડૂતોને રાતાં પાણીએ રોવડાવ્યા

ભાવનગરઃ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીને માવઠાની ભયંકર અસર થઈ છે. રાજ્યભરમાં વારંવારના માવઠાથી ડુંગળી પકવતો ખેડૂત પાયમાલ થઈ ગયો છે. માત્ર માવઠું જ નહીં રોજેરોજ નીચે જતા ડુંગળીના માર્કેટ ભાવ પણ તેનું મોટું કારણ બન્યા છે.

રાજ્યપાલ અને સટ્ટાકિંગના ભોજન લેતાં ફોટો વાઇરલ

રાજકોટઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કુખ્યાત સટ્ટાકિંગ જિતુ ઠક્કર ઉર્ફે જિતુ થરાદના સાથે ભોજન લેતા ફોટોગ્રાફ વાઇરલ થયા છે. થોડા સમય પહેલાં જ અમદાવાદમાં થયેલા સટ્ટાકાંડના મુખ્ય આરોપી પૈકી એક જિતુ થરાદ હાલ ફરાર છે, પરંતુ તેની રાજ્યપાલ સાથેની વાઇરલ થયેલી તસવીરોને કારણે વિવાદ સર્જાયો છે. આ તસવીરોમાં જિતુ થરાદ રાજ્યપાલ ઉપરાંત અન્ય કેટલાક લોકો સાથે રાજભવનમાં જ ભોજન લેતો દેખાય છે.


comments powered by Disqus