સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 73મા સ્થાપનાદિનની 11 મેએ ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરાઈ હતી. ઉજવણી દરમિયાન 7 સમુદ્ર અને 108 નદીના જળાભિષેકના પ્રતીકરૂપે સમુદ્રજળ, ત્રિવેણી તીર્થજળ અને ગંગાજળ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ધ્વજાપૂજા, મહાપૂજા, સરદાર વંદના સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાયંશ્રૃંગારમાં 220 કિલો કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું ઉદાહરણ છે. દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દૃઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9:46 વાગ્યે કરવામાં આવી હતી. આ પ્રસંગના સાક્ષી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારે જણાવ્યું કે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળભાગે રાખેલી સુવર્ણશલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે સમયે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રનાં જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પળે 101 તોપની સલામી આપવામાં આવી હતી.
મંદિરના 73મા સ્થાપના દિવસ પર મૂળ સ્થાપના દિવસની સ્મૃતિમાં પવિત્ર જળની કળશયાત્રા યોજવામાં આવી હતી. જ્યાં માતા સરસ્વતીએ વડવાનરને સમુદ્રમાં પધરાવેલ એવા રત્નાકર સમુદ્રના ઉદધિ જળ, હિરણ, કપિલા અને સરસ્વતી જ્યાં મહાદેવનાં ચરણ પખાળવા સાથે મળે છે એવું ત્રિવેણી સંગમ જળ અને શિવજીએ પોતાની જટામાં ધારણ કરેલું ગંગાજળ લાવીને બાળાઓ દ્વારા કળશ માથા પર રાખીને સોમનાથ ટ્રસ્ટ પરિવાર, તીર્થ પુરોહિતો અને ભાવિકો સાથે મંદિરમાં કળશયાત્રા કરી હતી. આ ઉપરાંત જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

