BSFના આઈજીએ ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે હરામી નાળાની મુલાકાત લીધી

Wednesday 18th January 2023 05:44 EST
 
 

ગાંધીનગર: બોર્ડર સિક્યુરીટી ફોર્સના ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) રવિ ગાંધીએ ભારત – પાકિસ્તાન બોર્ડર પાસેના સંવેદનશીલ કચ્છના હરામી નાળાની મુલાકાત લીધી છે. ગયા મહિને ચાર્જ સંભાળ્યા પછી તેઓ કચ્છ આવ્યા હતા અને સરહદ પર સુરક્ષાને લગતી બાબતોની સમીક્ષા કરી હતી.
બીએસએફ (ગુજરાત સીમા)ના આઇજી રવિ ગાંધીએ ગયા મહિને જ આઇજીનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે બીજીવખત ભૂજ સેક્ટરમાં સરહદી વિસ્તારોની મુલાકાત લીધી છે, જેમાં ઘૂસણખોરી માટે અતિ સંવેદનશીલ એવી ચેનલ હરામી નાળાનો પણ સમાવેશ થાય છે. બોર્ડર પર જઇને તેમણે અન્ય અધિકારીઓ સાથે સુરક્ષા સબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. વિવિધ સરહદી ચોકીઓ પર સૈનિકોને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે પડકારજનક સ્થિતિમાં દેશની સરહદોની સુરક્ષામાં જવાનોની ભૂમિકા મુખ્ય છે. બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકો રાષ્ટ્રની આંખ અને કાન છે. સરહદી જિલ્લામાં સુરક્ષાની કચાશ ન રહે તે માટે આ દળ હંમેશા એલર્ટ રહે છે.
આઇજીએ હરામી નાળા ઉપરાંત સરક્રિક અને ખડીર સહિતના વિસ્તારોની માહિતી મેળવી હતી તેમજ સીમા સુરક્ષા દળના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. બીએસએફ દ્વારા લેવાતી સૈનિકોની કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ તેમણે આપી હતી. તેમણે કહ્યું કે બોર્ડર વિસ્તારમાં ચાલતી ઈકોનોમિક એક્ટિવિટીઝને જરૂરી તમામ મદદ પણ બીએસએફ પૂરી પાડી રહ્યું છે.
બીએસએફમાં ગુજરાત ફ્રન્ટિયરના મહાનિર્દેશક બનેલા જ્ઞાનેન્દ્રસિંહ મલિકનું અન્ય સ્થળે પોસ્ટિંગ થતાં ખાલી પડેલી આઈજીની જગ્યાએ રવિ ગાંધીને નિયુક્ત કરવામાં આવેલા છે. તેઓ 1986 બેચના અધિકારી છે. તેઓ એક મહિના પહેલા જ કચ્છની મુલાકાતે ગયા હતા.
હરામી નાળામાંથી BSFએ ત્રણ પાકિસ્તાની સાથેની બોટ પકડી
ગત 11 ડિસેમ્બરે રાત્રે કચ્છ જળ સીમા બોર્ડર પિલર નં. 1159 અને 1170 વચ્ચે હરામીનાળા પાસેથી બીએસએફ જવાનોના પેટ્રોલિંગ દરમિયાન બોટ સાથે ઝડપાયેલા ત્રણ પાકિસ્તાનીઓ વિરુદ્ધ દયાપર પોલીસમથકમાં ફોરેન એક્ટની કલમ સહિતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
બીએસએફના જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે હરામીનાળા પાસે એક શંકાસ્પદ બોટ અને માછીમારોની હિલચાલ જોવા મળી હતી.જેથી 59 બટાલીયન બીએસએફના જવાનોએ તાત્કાલિક કોર્ડન કરતાં, બીએસએફની ટુકડીને જોઇ બોટ છોડીને ભાગવાનો પ્રયાસ કરતા પાકિસ્તાન સુજાવલ જિલ્લાના અલી અજગર લાલખાન, જાનમોહમ્મદ લાલખાન, ભીલાવર ખમીશા નામના ત્રણ પાકિસ્તાની બીએસએફના હાથે ઝડપાઈ ગયા હતા.


comments powered by Disqus