અમદાવાદ: અમદાવાદના પ્રહલાદનગરમાં આપઘાત કેસમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી પોતાને ચપ્પાના ઘા મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, દંપતી એક વર્ષ પહેલાં અમેરિકાથી અમદાવાદમાં આવ્યું હતું. વૃદ્ધ પત્નીને ગર્ભાશયનું કેન્સર હોવાથી શાહીબાગની એક હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જો કે પત્નીને ઠીક ન લાગતાં તે રોજ પતિને સારવાર કરાવવા માટે અમેરિકા જવાનું કહેતાં હતાં. આ બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થતી અને ઝઘડા થતા હતા. જો કે ગુરુવારે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પત્નીને છરીના 12થી વધુ ઘા માર્યા અને હત્યા કરી નાખી. ત્યારબાદ પોતાની જાતને ચપ્પાના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીની હત્યા કરતા પહેલાં વૃદ્ધે તેના ભત્રીજાને અમે સ્યૂસાઇડ કરતા હોવાનો મેસેજ મોકલી ઘટનાને અંજામ આપ્યો હતો.
કિરણ ભાઉ અને ઉષા ભાઉ પહેલાં અમેરિકામાં નોકરી કરતા હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ અમદાવાદના પ્રહલાદનગર ખાતે રહેવા આવ્યાં હતાં.
હાલમાં તેમના ઘરનું રિડેવલપમેન્ટમાં ચાલતું હોવાથી તેઓ સરખેજ રહેવા ગયાં હતાં. ઉષાબેનને ગર્ભાશયનું કેન્સર હોવાથી તેમણે શાહીબાગ ખાતે આવેલી એક હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. જો કે ઉષાબેનને ઠીક ન લાગતાં તેઓ વારંવાર અમેરિકા જઈને સારવાર કરાવવા માટે જીદ કરતાં હતાં. આ બાબતે કિરણભાઈ અને ઉષાબેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઉષાબેને આ અંગે તેમના ભાઈ મધુસૂદનને વાત કરી હતી. આ જ બાબતને લઈ ગત ગુરુવારે કિરણ ભાઉ અને ઉષાબેન વચ્ચે ઝઘડો થયો હતો, જોકે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં કિરણ ભાઉના હાથે તેમની પત્નીની હત્યા થઈ હતી.

