આત્મહત્યાનો પ્રયાસ કરનારા યુવાને 100થી વધુને ડૂબતા બચાવ્યા

Wednesday 18th January 2023 05:54 EST
 
 

વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા સિંધરોટ ગામના એક યુવાને જીવન સામેનો જંગ જીતીને અનેક લોકોને નવજીવન બક્ષ્યું છે. એક સમયે મહીસાગર નદીમાં ડૂબીને આત્મહત્યા કરવા ગયેલા આ યુવાનને બીજા લોકોએ બચાવ્યો હતો. આજે તે મહીસાગર નદીમાં તણાઇ જતા કે આત્મહત્યા કરવા જનારાને બચાવે છે.
22 વર્ષની ઉંમરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા નજીક મહીસાગર નદીના કિનારે સિંધરોટના રહેવાસી એવા 40 વર્ષીય યુવાન અર્જુન ગોહિલે ધો. ચાર સુધી અભ્યાસ કર્યો છે. કૌટુંબિક ઝઘડાથી ત્રાસીને તેણે 22 વર્ષની ઉંમરે જ કૂવામાં પડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનોએ તેને બચાવી લીધો. ત્યાર પછી તે એકવાર મહીસાગર નદીમાં નહાવા ગયો અને વહેણમાં તણાઇ ગયો. એક કલાકની જહેમત પછી તે બહાર નીકળી શક્યો. જેથી તેને વિચાર આવ્યો કે પાણીમાં ડૂબી જનારાને કેટલી તકલીફ થતી હશે. એ વિચારે અર્જુનનું જીવન બદલી નાંખ્યુ અને તે ડૂબતાનો સહારો બન્યો હતો.
અત્યાર સુધી 100થી વધારે લોકોને બચાવ્યાનો તે દાવો
જીવનમાં આવેલા આ અણધાર્યા પરિવર્તન અંગે અર્જુન કહે છે કે, ‘નદીમાં ડૂબ્યા પછી જીવવા માટે મહેનત કરવી પડી હતી. 15 વર્ષ પહેલાં હું મહીસાગરમાં ડૂબી ગયો હતો. મને તરતા નહોતું આવડતું. હું એક કલાક જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇને જેમતેમ કરીને કિનારે પહોંચ્યો હતો. આ ઘટના બન્યા પછી મેં લોકોને બચાવવાનું નક્કી કર્યું અને પછી તરવૈયો બની ગયો. તરતા શીખ્યા પછી રોજ સવારથી મહીસાગર નદીને કિનારે કોઇ પણ ડૂબતા કે આત્મહત્યા કરનારાને હું બચાવી લેતો.’જોકે, અત્યાર સુધી કેટલા લોકોને ડૂબતા બચાવ્યા, તેની તો અર્જુને નોંધ નથી કરી, પરંતુ અત્યાર સુધી 100થી વધારે લોકોને બચાવ્યાનો તે દાવો કરે છે.


comments powered by Disqus