પાલનપુર: અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઊજવાયો, જેમાં 80 હજાર સ્વયંસેવકો સમર્પિત રહ્યા. આ બધા વચ્ચે પાલનપુર તાલુકાના ગઢ ગામ નજીક 40 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના માલિકે પણ બીએપીએસના નગરમાં રાત્રે લાકડી લઈને ચોકીદારી કરી. પોટેટો સ્ટાર્ચ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના 65 વર્ષીય માલિક ચેલાભાઈ ગોઠી પ્રમુખસ્વામી નગરમાં ત્રીસ દિવસ સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ફરજ બજાવી છે.
આશ્ચર્યની વાત એ છે કે તેઓ પહેલા માત્ર 15 દિવસ સેવાકાર્ય કરવાના હેતુથી ત્યાં ગયા હતા, પરંતુ હવે અત્યાર સુધી વિવિધ કામમાં 100 દિવસની સેવા બજાવી બીજાને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી મને અહીં વધુ સમય રહેવાનું મન થયું. પહેલાં અહીં 15 દિવસ માટે જ આવવાનું થયું હતું.
જો કે અહીં રહ્યા બાદ લાગ્યું કે વધુ સેવા કરવી છે.. પહેલાં જ્યારે અહીં બ્લોક લગાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સેવા બજાવી. ત્યાર પછી મેં અહીં જુદી જુદી ઘણી કામગીરી કરી. છેલ્લા 30 દિવસ સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી હાથમાં લાકડી લઈને સુરક્ષાની જવાબદારી સંભાળી. સુરક્ષાની જવાબદારી નિભાવવાના અનુભવ અંગે તેઓ કહે છે કે, અહીં આખી રાત અંધારી હોય છે. કોઈ જ ચહલપહલ હોતી નથી. આ સ્થિતિમાં મારી ટેલેન્ટ અને મેનેજરિયલ સ્કિલ વધુ નિખરી છે.
આ અંગે બીએપીએસના પાલનપુરના હરિભક્ત વરુણ પંડ્યા ચેલાભાઈ વિશે જણાવે છે કે ઉંમર અને હોદ્દો બંને મોટા હોવા છતાં તેમણે ક્યારેય કોઈપણ કામમાં નાનમ અનુભવી નથી.

