અમદાવાદઃ કલોલના ડીંગુચામાં રહેતા જગદિશભાઈ પટેલ, તેમની પત્ની વૈશાલીબેન, દિકરી વિહાંગી અને ધાર્મિક અન્ય સાત લોકો સાથે ગત 19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડાથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશવા જતા હતા ત્યારે જગદીશભાઇ અને તેમના પરિવારજનોનું માઇનસ 35 ડિગ્રીના કારણે કાતિલ ઠંડીમાં મોત નિપજ્યુ હતુ. આ ઘટનાને પગલે એમ્બેસી સહિત ગુજરાત પોલીસે તપાસ હાથ ધરી હતી. ડિંગુચાનાં પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ (રહે. કલોલ) અને યોગેશ પટેલ (રહે.મેમનગર)ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બન્નેને દબોચી લીધા છે. તપાસમાં સામે આવ્યુ છે કે, જાન્યુઆરી 2022માં ગુજરાતથી 19 લોકોનું ગ્રુપ ગેરકાયદે રીતે અમેરિકા જવા માટે નીકળ્યું હતું. આ તમામ લોકો પહેલાં દિલ્હી પહોંચ્યા હતા. અહીં બે ગ્રુપ પાડવામાં આવ્યાં હતાં. જેમાં એક ગ્રુપમાં 11 લોકો હતા
અને બીજા ગ્રુપમાં 8 લોકો હતા. 11 ગ્રુપના લોકોને કેનેડાથી અને 8 લોકોના ગ્રુપને મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં પ્રવેશ કરવાનું નક્કી કરાયું હતું. કેનેડા બોર્ડરથી જે અગિયાર લોકોનું ગ્રુપ પ્રવેશવાનું હતું તેમાં ડિંગુચાનો પરિવાર સામેલ હતો. 11 પૈકી ડિંગુચાના 4 વ્યકિતનું મોત નિપજ્યું હતુ જ્યારે અન્ય સાત લોકો ત્યાં ઝડપાઇ ગયા હતા. સાત લોકોને છોડાવવા માટે સ્થાનિક એજન્ટોએ વિદેશી એજન્ટને પેમેન્ટ આપીને સાતેયને છોડાવવા માટે જામીનદારોની વ્યવસ્થા કરી હતી.
એજન્ટો વ્યકિતદીઠ 60થી 65 લાખ રૂપિયા અમેરિકા મોકલવાના લેતા હતા. યોગેશ અને ભાવેશ પટેલ બન્નેએ કેનેડા, મેક્સિકો અને અમેરિકાના એજન્ટોના સંપર્કમાં છે. વિદેશમાં રહેતો ફેનિલ અને બીટુ પાજીએ બોર્ડર ક્રોસ કરાવવા ઇન્ડિયાના એજન્ટો પાસેથી વ્યક્તિદીઠ 11500 ડોલર લેતા હતા. વિનિપેગ બોર્ડર જ્યાં માઇનસ 35 ડિગ્રી ઠંડી હોવાથી આ બોર્ડર પરથી અમેરિકામાં ઘૂષણખોરી કરવા વ્યક્તિદીઠ 7500 ડોલર વિદેશી એજન્ટો સ્થાનિક એજન્ટો પાસેથી વસૂલતા હોવાનું સામે આવ્યું છે.

