સુરતઃ માંગરોળના ગીજરમ ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે વર્ષો જૂની શેરડીની ખેતી છોડી થાઇલેન્ડના જમરૂખની નમૂનેદાર ખેતી કરી સારું ઉત્પાદન મેળવતા અન્ય ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
22 વીઘામાં થાઇલેન્ડના જમરૂખની ખેતી
કંઈક અલગ કરવાની અને ખેતીમાં બદલાવ લાવવાની ઇચ્છા સાથે ગીજરમના ખેડૂતે પોતાના 22 વીઘાના ખેતરમાં થાઇલેન્ડના 1 કિલોના નામથી ઓળખાતા જમરૂખની ખેતી કરી છે. પોતાના ખેતરમાં 7 હજાર જેટલા થાઇલેન્ડના જમરૂખના છોડ વાવી મબલખ પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે, દરરોજ 150 જેટલા કેરેટ જમરૂખ ઉતારવામાં આવે છે. સામાન્ય જમરૂખ કરતાં આ જમરૂખનું વજન અને સાઇઝ પણ ખૂબ મોટી છે.
જમરૂખનું વજન 800 ગ્રામથી 1 કિલો
રેગ્યુલર જમરૂખનું વજન 50 ગ્રામથી 100 ગ્રામ જેટલું હોય છે, ત્યારે થાઇલેન્ડના આ જમરૂખનું વજન 800 ગ્રામથી 1 કિલો જેટલું હોય છે, સામાન્ય જમરૂખનો ભાવ 20 રૂપિયા કિલો હોય છે, ત્યારે આ થાઇલેન્ડના જમરૂખનો બજારમાં ભાવ 80થી 100 રૂપિયા કિલો છે અને સપ્ટેમ્બરથી મે સુધી તેનું ઉત્પાદન લઈ શકાય છે.

