પતંગોથી રંગાયેલું આકાશ સાંજે રોશનીથી ઝળહળ્યું

Wednesday 18th January 2023 05:03 EST
 
 

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મકરસંક્રાંતિનો તહેવાર ઊજવવા માટે લોકો વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા. એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા, તો બીજી તરફ કાઈપો છે.... લપેટ.... લપેટ...ની બૂમો સંભળાતી હતી. જો કે આખો દિવસ રંગેબરંગી પતંગોથી છવાયેલું આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઊઠ્યું હતું. આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોન્ગ પર ઝૂમતા જોવા મળ્યા હતા. આ વખતે પોલીસની ધોંસને પગલે ચાઈનીઝ દોરીની જગ્યાએ સુરતી દોરી અને વધુ કાચ નાખીને ઘસાયેલી દોરીનો વધુ ઉપયોગ લોકોએ કર્યો હતો. બીજી તરફ કેટલાક લોકો શનિવાર અને રવિવારની રજા આવી હોવાથી પરિવાર સાથે બહારગામ ફરવા ચાલ્યા ગયા હતા. આ ઉત્તરાયણમાં દર વર્ષની માફક ચાઈનીઝ તુક્કલો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી હતી. પૂર્વ વિસ્તારમાં ખાડિયા, રાયપુર સહિતની પોળોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. શહેરના કોટ વિસ્તારમાં ધાબાઓ હાઉસફુલ થઈ ગયા હતા,
જ્યારે પાલડી વિસ્તારમાં સૌથી ઓછા પતંગો ચડ્યા હતા.
દુર્ઘટનાઃ 7નાં મોત, 16 ઘાયલ
રાજ્યમાં ઉત્તરાયણના બે દિવસના તહેવારમાં દોરીથી ગળુ કપાઇ જવાના કારણે અને ધાબેથી પડવા જેવી દુર્ઘટનામાં સાત વ્યક્તિનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત ૧૬ વ્યક્તિને ઇજા પહોંચી છે. વડોદરાના દશરથ ગામ નજીક દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ધાબા પરથી પડવાનાં પાંચ બનાવમાં તમામ ઇજાગ્રસ્તો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિસનગરમાં મહિલા ચાર વર્ષની બાળકીને લઈ જઇ રહી હતી ત્યારે બાળકીના ગળાના ભાગે પતંગની દોરી વીંટળાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું.
2,800 જેટલાં પશુ-પક્ષી ઘવાયાં
ઉત્તરાયણના બે દિવસમાં રાજ્યમાં 2.798 પશુ- પક્ષીઓને પક્ષીઓને ઈજા થવાના કેસ નોંધાયા છે. કરૂણા અનિમલ એમ્બ્યુલન્સ સર્વિસ પર પશુ-પક્ષીની ઈજા અંગેના 1962 કોલ્સ મળ્યા હતા. 14મી જાન્યુ.એ રાજ્યમાં 663 પક્ષીને ઈજાના કોલ્સ મળ્યા હતા જ્યારે 940 પશુને ઈજાની ઘટના બની હતી. આમ પહેલાં દિવસે 1600થી વધઉ પશુ-પક્ષી ઘવાયા હતા. બીજા દિવસે 1194 ઘટના સામે આવી હતી.


comments powered by Disqus