બહેનની ‘અંતિમ ઇચ્છા’ પૂર્ણ કરવા USથી આવેલા ભાઈનું સિવિલમાં રૂ. 75 લાખનું દાન

Wednesday 18th January 2023 05:07 EST
 
 

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન ભૂતો ન ભવિષ્યતી કહી શકાય તે પ્રકારનું વ્યક્તિગત સ્તરે નાણાકીય દાન કરવામાં આવ્યું છે. નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રએ અમેરિકાથી આવીને સિવિલ હોસ્પિટલમાં રૂ. 75 લાખનું ઐતિહાસિક દાન કર્યું છે.
નરેન્દ્રભાઇનાં બહેન ઉર્વશીબહેન બીમાર રહેતાં હતાં અને તેમને મૃત્યુ નજીક હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો, ત્યારે તેઓએ વસિયતનામામાં લખાવ્યું હતું કે, “મિલકતનો મંદિરમાં નહીં, પરંતુ સીધી રીતે લોકોપયોગી થઈ શકાય તે પ્રકારે દાન કરજો.”
આપણી સંસ્કૃતિમાં ભાઈ બહેનને તમામ પ્રકારની સમસ્યાઓ, તકલીફ સામે રક્ષણ આપવા ઉપરાંત તેની ઇચ્છાઓ પૂરી કરવા પ્રયાસો કરતા જોવા મળે છે. પીજ ગામના આ નરેન્દ્રભાઈએ પોતાની બહેનની અંતિમ ઇચ્છાને પૂરી કરવા એક ઉમદા પગલું ભર્યું અને આજે સિવિલ હોસ્પિટલમાં લોકોપયોગી થવાના શુભ આશયથી રૂ. 75 લાખનું દાન કર્યું.
રૂ. 75 લાખના દાનને સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગતસ્તરે કરવામાં આવેલું અત્યાર સુધીનું સંભવિત સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે. આ અંગે નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારાં બહેન ઉર્વશીએ જીવનપર્યંત જનઉપયોગી કાર્યો જ કર્યાં છે. તેમણે પાઇ પાઇ ભેગી કરીને ઘર - પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. તેઓ સાડીની દુકાન ચલાવતાં હતાં. તેઓ જીવનભર આત્મનિર્ભરતાની વિચારધારાનું પાલન કરીને કાયમ પગભર જ રહેલાં. ગયા વર્ષે બીમારીના કારણે જાન્યુઆરી મહિનામાં જ તેમનું નિધન થયું હતું. જીવનના છેલ્લા દિવસોમાં તેમણે આ લોકકલ્યાણનું કાર્ય કરવા દાન કરવાની અંતિમ ઇચ્છા પોતાના વિલમાં દર્શાવી હતી. જે આજે અમેરિકાથી આવીને પૂર્ણ કર્યા બાદ અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ.


comments powered by Disqus