મુંદ્રાઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંદ્રા પોર્ટથી ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઇલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ સહિત રૂ. 80 કરોડની કિંમતનો માલ જપ્ત કર્યો હતો. સામાનને ગાર્મેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરીને રૂ. 1.5 કરોડની દાણચોરી કરવામાં આવી રહી હતી.
મુન્દ્રા પોર્ટ પરના 6 શંકાસ્પદ કન્ટેનરની ઓળખ કરાઈ
આ વિશે ડીઆરઆઈના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચીનમાંથી આયાત કરાયેલા માલસામાનને ગાર્મેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરી અને તેમાં હાઇ એન્ડ ઇલેક્ટ્રોનિક બ્રાન્ડેડ માલ હોવાની શક્યતા હતી. આ માલસામાનને SEZ માર્ગ દ્વારા ક્લિયર કરવાની માગ કરવામાં આવી રહી હતી, ત્યારે અમદાવાદ ડીઆરઆઇ દ્વારા મુન્દ્રા પોર્ટ પરના 6 શંકાસ્પદ કન્ટેનરની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી એપલ એરપોડ્સ, બેટરી, ઈ-સિગારેટ, મોબાઇલ, ઈલેક્ટ્રોનિક એસેસરીઝ, બ્રાન્ડેડ બેગ રિકવર કરી હતી. આ ઉપરાંત શૂઝ અને સૌંદર્ય પ્રસાધનો, બ્રાન્ડેડ ઘડિયાળ, ઓટોમોબાઇલ પાર્ટ્સ આયાત માલમાં છુપાવવામાં આવ્યા હતા. કથિત ખોટી રીતે જાહેર કરેલી દાણચોરી કરાયેલા માલની કિંમત અંદાજિત રૂ. 80 કરોડ થવા જાય છે.

