અમદાવાદઃ ગુજરાતની સરકારી હોસ્પિટલમાં લાગતી દર્દીઓની લાંબી લાઈનો અને ફાઈલોની કડાકૂટમાંથી દર્દીઓને છુટકારો આપવા માટે સરકાર વિશેષ આયોજન કરી રહી છે. રાજ્ય સરકાર હવે આરોગ્ય સેવાઓને ડિજિટલ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. સરકારે તમામ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોને પેપરલેસ બનાવવા માટે આયોજન હાથ ધર્યું છે. રાજ્ય સરકારની મહેસૂલી સેવાઓની જેમ જ હવે આરોગ્ય સુવિધાઓ પણ રાજ્ય સરકાર ડિજિટલ કરવા આગળ વધી રહી છે.
દમણમાં તમામ સરકારી હોસ્પિટલને ડિજિટલ સેવા હેઠળ આવરી લેવાઈ છે. ત્યારે રાજ્ય સરકાર પણ હવે આ પદ્ધતિને અનુસરવા જઈ રહી છે. આ ડિજિટલાઇઝેશન પદ્ધતિ 10 વર્ષ અગાઉ શરૂ કરી હતી. પહેલા સિવિલ હોસ્પિટલમાં બાદ સ્ટોર, સીટી સ્કેન, મેડિકલ રેકોર્ડ, એસ્ટાબ્લિશમેન્ટ, રેકોર્ડ, પબ્લિક હેલ્થ મોડ્યુલ શરૂ કર્યું. જેમાં CHC અને PHC બાદ વેલનેસ હેલ્થ સેન્ટરમાં ડિજિટલાઇઝડ પદ્ધતિ અમલી બનાવી.
બારકોડમાં આવી જાય છે તમામ સારવારની વિગતો
ડો. વી.કે. દાસ કહે છે કે, ઓફલાઇન પદ્ધતિમાં લોકોને ઊભા રહેવું પડતું હતું. જો કે આ પદ્ધતિ અમલી થતાં દર્દીને લાઈનમાં ઊભા ન રહેવું પડે અને કિઓસ્ક મશીનથી જ એપોઇન્ટમેન્ટ લઈ શકાશે. આ ઉપરાંત ઓપીડી, ફાર્મસી અને ડોક્ટર દ્વારા એક જ આઇડી પર ડેટા મૂકાતાં ફાર્મસી-ડોક્ટર અથવા અન્ય સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ પાસે પણ આ ડેટા ઉપલબ્ધ બનશે.

