વડોદરાથી પાંચ કરોડનું એમડી ડ્રગ્સ - કેમિકલ જપ્તઃ 3ની ધરપકડ

Wednesday 18th January 2023 05:50 EST
 
 

વડોદરા: શહેર નજીક સિંધરોટ ખાતેથી ગત નવેમ્બરમાં ઝડપાયેલી ડ્રગ્સની ફેકટરીના સિલસિલામાં હાલમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓને સાથે રાખીને એ.ટી. એસ.ની ટીમે સોમવારે અત્રેના સયાજીગંજ વિસ્તારના આનંદ એપાર્ટમેન્ટમાં પાંચમા માળે ફલેટમાં દરોડો પાડી રૂ. 5 કરોડની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. ઉપરાંત ડ્રગ્સ બનાવવા ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ કેમિકલ ભરેલાં કેરબા જપ્ત કર્યા હતા. એ.ટી.એસ.ની ટીમ દ્વારા કુલ રૂ. 610 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે.
શહેર નજીક સિંધરોટ ખાતેના એક ખેતરમાં ધમધમતી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઉપર ગત નવેમ્બર માસમાં રાજ્યની એ.ટી. એસ.ની ટીમે રેડ કરી હતી. ત્યારે રૂ. 478.65 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે રેડના તાર શહેરના સયાજીગંજ વિસ્તારના આનંદ એપાર્ટમેન્ટ સાથે જોડાયા હતા. આરોપી રાજુ કૃપાગીરી રાજપૂત (ઉ.વ.51), યોગેશ નંદિકશોર તડવી (ઉ.વ.33) તેમજ અનીલ રામજી પરમાર (ઉ.વ.34)આનંદ એપાર્ટમેન્ટના પાંચમા માળે ફલેટમાં મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન કરતા હોવાની હકીકત એ.ટી.એસ.ની તપાસમાં ખુલી હતી. જે આધારે ઉપરોક્ત ત્રણે આરોપીઓની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી અને અત્રેની કોર્ટમાં રજુ
કરીને તા.21મી જાન્યુઆરી સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવ્યા હતા.


comments powered by Disqus