ગાંધીનગરઃ મહેસૂલ વિભાગે જમીન મિલકતની નોંધણી અંગેના ગુજરાત રજિસ્ટ્રેશન નિયમો- 1970માં મંગળવારે વધુ એક સુધારો કર્યો છે. નવા સુધારા મુજબ પાવર ઓફ એટર્ની કરી આપનાર અર્થાત મૂળ માલિકની હયાતીની ડેકલેરેશન અર્થાત એફિડેવિટ હશે તો જ દસ્તાવેજની નોંધણી થઈ શકશે. આથી, વિદેશમાં એક્ઝિક્યુટ થયેલા પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ નોંધણીને તબક્કે પણ પાવર આપનાર વ્યક્તિએ પોતાની હયાતીનું એફિડેવિટ કરી આપવાનું રહેશે.
પાવર ઓફ એટનીથી થતા દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં જેમને પાવર મળ્યો છે તેવી વ્યક્તિ જ પાવર આપનાર (મૂળ માલિક) હયાત છે. તેવુ ડેકલેરેશન કરતા હતા. જેના કારણે પાવર રદ્દ થયો હોય તેવી સ્થિતિમાં મૂળ માલિકની જાણ બહાર કે પછી મૃત્યુ બાદ પણ હયાતીને આધારે મિલકત તબદિલીના દસ્તાવેજો નોંધાતા હતા. આ ગોટાળાનો અંત આણવા અને વિશેષતઃ વિદેશોમાં સ્થાયી મિલકત ધારકોના હિતમાં સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવનની સહીથી સોમવાર અને મંગળવાર એમ બે તબક્કે નવી સુચનાઓ પરિપત્રિત થઈ છે. જેમાં પાવર ઓફ એટર્ની કરી આપનારે પોતાની હયાતીનું સોંગદનામું કરી આપવા ફરિજીયાત કરાયુ છે. નિયત ફોર્મેટમાં પાવર આપનારની હયાતીનું સોંગદનામું નહી હોય તો દસ્તાવેજની નોંધણી ન કરવા નોંધણી નિરીક્ષકો, જિલ્લા કલેક્ટોરેટમાં સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રને કહેવાયુ છે.
અલબત્ત, હાલના તબક્કે જે પાવર ઓફ એટર્ની વિદેશમાં એક્ઝિક્યુટ થયો છે. તેવા કિસ્સામાં પાવર આપનારની હયાતીનું સોગદનામું ન હોય તો દસ્તાવેજનો સ્વીકાર કર્યાના એક મહિના સુધી નોંધણી થઈ શકશે નહી. આ છૂટછાટભરી વ્યવસ્થા 14મી ફેબ્રુઆરી 2023 સુધી અમલમાં રહેશે. બાદમાં, 15મી ફેબ્રુઆરી 2023થી હયાતીના ડેકલરેશન સિવાય દસ્તાવેજ નોંધણીની થઈ શકશે નહી.

