સુરતના મધ્યમ વર્ગીય પરિવારની ધ્રુવીને નાસા યુનિવર્સિટીમાં સ્થાન

Wednesday 18th January 2023 06:06 EST
 
 

સુરત: વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક બનવા માટેની નાસા યુનિવર્સિટીમાં સુરતની દીકરી પસંદગી પામી છે. સુરતના વરાછાની ધ્રુવી જસાણીએ આકરી મહેનત કરીને અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં સિલેક્શન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર દેશમાંથી માત્ર બે વિદ્યાર્થીએ જ નાસામાં સિલેક્શન મેળવ્યું છે. તેમાં એક સુરતની ધ્રુવી જસાણી છે.
ધ્રુવીની આ સિદ્ધિને લઈ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા પણ તેમને શુભેચ્છા આપવા તેના ઘરે પહોંચ્યા હતા. ધ્રુવીના પિતા હેન્ડલૂમનું કામ કરે છે જ્યારે માતા હાઉસવાઈફ છે. સુરતના વરાછા વિસ્તારમાં મધ્યમ વર્ગમાંથી આવતી ધ્રુવીએ નાસા યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું છે. હવે તે આગામી દિવસોમાં અમેરિકા જશે.
ધ્રુવી જસાણીએ નાસા એપ્લિકેશનમાં ઓનલાઈન અભ્યાસ કરીને સૌથી કપરી એવી ચાર પરીક્ષા પાસ કરી હતી. સૌથી પહેલી પરીક્ષામાં 3500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ચોથી પરીક્ષા આવતા માત્ર 300 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. પરીક્ષા પૂર્ણ થતાં દેશમાંથી માત્ર બે જ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. અને જેમાંથી એક યુવક પંજાબનો રહેવાસી અને બીજી સુરતની દીકરી ધ્રુવી હતી. ધ્રુવીની આ સિદ્ધિથી તેનાં માતા-પિતાએ દીકરી દેશ અને પરિવારનું નામ રોશન કરે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus