ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં રવિવારે રાત્રે 12 વાગ્યાથી લઈ સોમવારે વહેલી સવારે 5 વાગ્યા સુધી બેઠક કરી. હર્ષ સંઘવીના બંગલે યોજાયેલી આ બેઠકને કારણે ગુજરાતનો રાજકારણમાં મોટી હિલચાલ થવાની વાત દાવાનળની જેમ પ્રસરી ગઈ. જો કે આ બેઠકમાં ગુજરાત સરકારનાં બોર્ડ નિગમોમાં નિમણૂકો, ભાજપના સંગઠનમાં નવી નિયુક્તિને લઈને ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. લાંબો સમય સુધી ચાલેલી આ બેઠકમાં ગુજરાતમાં લોકસભાની 26 પૈકી કેટલીક બેઠકોને લઈને ગહન ચિંતન થયું હોવાનું કહેવાય છે.
ખૂબ વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કેટલીક લોકસભા બેઠકો વર્તમાન પરિસ્થિતિ જોતાં નબળી છે. જો તેમાં વ્યવસ્થિત કામ ન થાય તો ત્યાં પરિણામો પર વિપરીત અસરો પડી શકે છે. આ હેતુસર શાહે ખૂબ વિષદ ચર્ચા કરી છે. અગાઉ પ્રધાનમંત્રી સાથે દિલ્હીમાં મુલાકાત દરમિયાન ગુજરાત સરકારમાં બોર્ડ નિગમોમાં થનારી નિયુક્તિ બાબતે ચર્ચા થઈ હતી તેનો સમાવેશ કરાયો હતો.
સંગઠનમાં 30 ટકા ફેરફાર થશે, પાટીલ યથાવત્
ગુજરાત ભાજપના સંગઠનમાં અધ્યક્ષ તરીકે હાલ પાટીલના સ્થાને નવી નિયુક્તિ કરવાને બદલે તેમની નીચેના સંગઠનમાં કેટલીક તબદીલી થશે. મહામંત્રી અને પ્રદેશ મંત્રીની ખાલી જગ્યા ભરવા ઉપરાંત સંગઠનનાં કેટલાંક સ્થાનો પર નાના-મોટા પરિવર્તન થઈ શકે. આ જોતાં વર્તમાન સંગઠનમાં 30 ટકા જેવો ફેરફાર આવી શકે છે.

