આણંદ જિલ્લાના 200 લોકો ઈઝરાયલમાં ફસાયા: પરિવારો ચિંતામાં

Wednesday 18th October 2023 07:18 EDT
 
 

આણંદઃ જિલ્લાના 200થી વધુ લોકો ઇઝરાયલમાં ફસાયેલા હોવાની માહિતી મળી છે. જો કે ફસાયેલા તમામ લોકો સુરક્ષિત છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ફસાયેલા આ તમામ લોકોનો પરિવાર ચિંતામાં મુકાયો છે. આણંદ જિલ્લાના અનેક લોકો ઇઝરાયલમાં વૃદ્ધોની દેખભાળ માટેની નોકરી ઇઝરાયેલમાં કરી રહ્યા છે. ફસાયેલા લોકોના પરિજન દિવસમાં ચારથી પાંચ વખત વીડિયો કોલ કરીને તેમના ક્ષેમકુશળ હોવાના સમાચાર મેળવી રહ્યા છે.
આણંદની અલ્પેશ સોસાયટીમાં રહેનારાં અર્ચનાબહેનના પતિ કલ્પેશભાઈ છેલ્લાં બે વર્ષથી ઇઝરાયલમાં કેરટેકર તરીકે નોકરી કરે છે. અર્ચનાબહેન તેમના પતિ અંગે સતત ચિંતામાં રહે છે, ત્યાં સુધી કે તેમની પુત્રી પણ પિતા અંગે ચિંતિત છે અને તેઓ રોજ ચારથી પાંચ વખત ફોન કરીને તેમના સમાચાર મેળવી રહ્યાં છે.
કલ્પેશભાઈએ તેમને જણાવ્યું કે, તેઓ ઇઝરાયેલના મધ્ય વિસ્તારમાં રહે છે, જ્યાં ચિંતા જેવું કંઈ જ નથી. તેમ છતાં તેઓ ઇઝરાયલ અને ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે. તેઓ જે મકાનમાં રહે છે ત્યાં બોમ્બ પ્રતિરોધક શેલ્ટર પણ છે, જેથી સાઇરન વાગતાં તમામ લોકો કામ છોડીને પાંચ મિનિટમાં શેલ્ટરમાં જતા રહે છે. આ શેલ્ટરમાં ખાવા-પીવાની પણ પૂરતી વ્યવસ્થા છે.
તેલઅવીવમાં પત્નીઃ અલ્પેશ સોસાયટીમાં જ રહેતા પ્રદીપ પટેલનાં પત્ની છેલ્લાં 13 વર્ષથી ઇઝરાયલમાં છે. યુદ્ધને લઈને પ્રદીપભાઈ અને તેમનો પુત્ર ચિંતામાં આવી ગયા છે. જો કે તેઓ વીડિયોકોલ દ્વારા પત્નીના સંપર્કમાં છે. પ્રદીપભાઈએ કહ્યું કે મારાં પત્ની તેલઅવીવમાં જ છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે. જો કે તેમનાં પત્ની અને તેમની સાથેના અન્ય ભારતીયો સુરક્ષિત છે. હાલમાં ચિંતાનું કારણ નથી.
ટૂંક સમયમાં પરત ફરશે ભારત
અલ્પેશ સોસાયટીમાં જ નીલમબહેન પરમારના પતિ ફ્રાન્સિસભાઈ છેલ્લાં બે વર્ષથી ભારતમાં છે. યુદ્ધની સ્થિતિના પગલે તેઓ પણ ચિંતામાં સરી પડ્યા છે. નીલમબહેન અને તેનો પુત્ર એન્જલ પણ વીડિયો કોલ દ્વારા સતત ફ્રાન્સિસભાઈના સંપર્કમાં છે. નીલમબહેનના પતિએ ટૂંક સમયમાં ભારત પરત આવવાનું કહ્યું છે. આણંદના પૂર્વ કોર્પોરેટર અલ્પેશ મેકવાનના જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાના 200થી વધુ લોકો ઇઝરાયલનાં અલગ-અલગ શહેરોમાં કેરટેકર તરીકે નોકરી કરે છે. તેઓ વર્ષમાં બે વખત વડીલ નાગરિકો માટે ઇઝરાયલ જાય છે. ત્યાં તેઓ જેરુસલેમ સહિત વિવિધ ધાર્મિક સ્થળો પર જાય છે. યુદ્ધના સંકટ વચ્ચે તેઓ ત્યાં સ્થાનિક ટેક્સીચાલકો અને ગાઇડની સાથે સંપર્કમાં છે.


comments powered by Disqus