સુરતઃ સ્થાનિકથી લઈને વૈશ્વિક સ્તર સુધી એક તરફ હીરા ઉદ્યોગમાં મંદી છે, ત્યાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધને કારણે સુરતના લગભગ રૂ. 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે.
ઇઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધની સુરતના હીરાઉદ્યોગમાં અસર વિશે જીજેઈપીસીના માજી ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, ઈઝરાલયના તેલઅવીવ ખાતે સુરતના અંદાજે 20 ઉદ્યોગકારોની ઓફિસ કાર્યરત્ છે, જ્યાંથી રૂ. 3400 કરોડના રફ હીરાનો તથા અંદાજે રૂ. 800 કરોડનો પોલિશ્ડ ડાયમંડ મળીને રૂ. 4200 કરોડનો વેપાર થાય છે. જો કે આ યુદ્ધના કારણે હાલ સમગ્ર હીરાવેપાર ઠપ થઈ ગયો છે. કેટલાક સમયથી સ્થાનિકથી લઈને વૈશ્વિરસ્તરે હીરાઉદ્યોગ મંદીમાં છે, ત્યારે આ યુદ્ધ સુરતના હીરા ઉદ્યોગકારો માટે પડતા પર પાટુ સમાન સાબિત થાય એવી શક્યતા સેવાઈ રહી છે. પહેલાં કોરોના અને બાદમાં અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં મંદીનું વાતાવરણ છવાતાં સુરતનો હીરાઉદ્યોગ પ્રભાવિત થયો હતો, ત્યારે હવે આ યુદ્ધને કારણે સ્થાનિક ઉદ્યોગકારોની સ્થિતિ વધુ કથળે એવી પૂરી શક્યતા છે.

