ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારત ચંદ્ર પર મનુષ્યનું ઉતરાણ કરાવશે

Wednesday 18th October 2023 07:35 EDT
 
 

નવી દિલ્હીઃ ચંદ્રના સાઉથ પોલ પર પહેલી વાર અવકાશયાન ચંદ્રયાન-3 ઉતારીને તથા સૂર્ય માટેના આદિત્ય મિશનને લોન્ચ કર્યાં બાદ ભારતે અંતરીક્ષ ક્ષેત્રમાં વધુ એક હરણફાળ ભરવા નિર્ણય કર્યો છે.
ઈસરોની યોજનાને વડાપ્રધાનની લીલીઝંડી
સરકારે મંગળવારે જણાવ્યું કે, ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રી મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશ વિભાગને સૂચના આપી હતી, જેમાં 2035 સુધીમાં સ્પેસ સ્ટેશનની યોજના પણ સામેલ છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે ભારતે હવે નવાં અને મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો માટે લક્ષ્ય રાખવું જોઈએ, જેમાં 2035 સુધીમાં ‘ભારતીય અંતરીક્ષ સ્ટેશન’ની સ્થાપના અને 2040 સુધીમાં પ્રથમ ભારતીયને ચંદ્ર પર મોકલવાનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને શુક્ર અને મંગળના મિશન પર કામ કરવાની પણ અપીલ કરી છે. ચંદ્ર પર માનવ મોકલવા અને સ્પેસ સ્ટેશન ઊભું કરવાના વિઝનને સાકાર કરવા અંતરીક્ષ વિભાગ ચંદ્રના સંશોધન માટે એક રોડમેપ તૈયાર કરશે.
ગગનયાન હેલિકોપ્ટર ટેસ્ટની તૈયારી શરૂ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને સત્તાવાર રીતે ભારતના પહેલા સમાનવ અવકાશયાન ગગનયાનની પહેલી તસવીર જાહેર કરી છે. આજ ગગનયાનમાં બેસીને 2024માં ભારતના ત્રણ અવકાશ યાત્રી પૃથ્વી બહાર અંતરીક્ષમાં 400 કિલોમીટરના અંતરે જશે. ત્રણેય અવકાશયાત્રી ત્રણ દિવસ (72 કલાક) સુધી પૃથ્વીની ગોળ ફરી મહત્ત્વનો સંશોધનાત્મક અભ્યાસ કરશે. ઇસરોએ તેના ટ્વીટર દ્વારા કહ્યું છે કે અમે ગગનયાન મિશનનું માનવવિહીન પરીક્ષણ શરૂ કરી રહ્યા છીએ. પરીક્ષણમાં ક્રૂ એસ્કેપ મોડ્યુલના પરીક્ષણનો સમાવેશ થાય છે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે અમે ગગનયાનના હેલિકોપ્ટર ટેસ્ટ માટે કે.સી.પી. હેવી એન્જિનિયરિંગ કંપની (ચેન્નાઇ-તામિલનાડુ) પાસેથી ગગનયાનના મોડેલનો કબજો લઈશું. અમે આ જ એન્જિનિયરિંગ કંપનીને ગગનયાનની અમે બનાવેલી ડિઝાઇન આપી છે અને કંપનીએ તેનું મોડેલ બનાવ્યું છે. ગગનયાન મોડેલનો કબજો મળી જશે એટલે અમે તેને વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશન લઈ જઈશું. અમારા આ સેન્ટરમાં ગગનયાનના મોડેલ સાથે ખાસ પ્રકારની બનાવવામાં આવેલી પેરાશૂટ સહિત અન્ય સિસ્ટમ જોડવામાં આવશે. ગગનયાનના આ પ્રકારના પરીક્ષણને ઇન્ટિગ્રેટેડ એરડ્રોપ ટેસ્ટ કહેવાય છે.


comments powered by Disqus