નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને ઈડીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, અમે દિલ્હી આબકારી નીતિ સાથે સંકળાયેલા કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવા વિચારણા કરી રહ્યા છીએ. તપાસ એજન્સીઓ તરફથી હાજર રહેલા વધારાના સોલિસીટર જનરલ એસ.વી. રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ શરાબ નીતિમાં અનિયમિતતાના કેસમાં આપને આરોપી બનાવવાની વિચારણા કરી રહ્યા છે. આ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન તપાસ એજન્સીઓ તરફથી દલીલ કરવામાં આવી હતી.

