નોરતાં પર માતાનાં શક્તિધામો પર ભક્તોનું ઘોડાપૂરઃ ગરબાની રમઝટમાં લોકો ઝૂમ્યા

Wednesday 18th October 2023 06:57 EDT
 
 

શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રી દરમિયાન ભક્તોએ અંબાજી, બહુચરાજી અને મા ઉમિયાના ધામ પર લાંબી કતારો લગાવી હતી. શક્તિ કેન્દ્રસમાન આ તમામ માતાનાં મંદિરો ખાતે જાણે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
અંબાજી મંદિર
અંબાજી મંદિરમાં રવિવારે સવારે વિધિવત્ ઘટસ્થાપન કરાયું હતું, જ્યાં લાખો યાત્રિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંજ સુધીમાં 2.16 લાખ માઈભક્તોએ દર્શન કર્યા હતા. ‘જય જય અંબે’ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઊઠ્યું હતું. પ્રથમ નોરતે રવિવારે મોહનથાળનાં 1.10 લાખ પેકેટ વેચાયાં હતાં. આ બધાની વચ્ચે પ્રથમ નોરતે રાત્રે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. અહીં મહિલાઓ ગરબે રમવા નીકળી હતી.
પાવાગઢ
યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રી નિમિત્તે ગરબાની રમઝટ જામી રહી છે. પાવાગઢ મંદિર પરિસરમાં યોજાયેલા માતાજીના ગરબા દરમિયાન ખેલૈયાઓ મશગુલ બન્યા હતા. અહીં પાવાગઢ ટ્રસ્ટ કર્મચારીઓ અને ભક્તો પણ માતાજીના ગરબા રમતાં જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાં ગરબાની રમઝટ જામતાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. મહાકાળી માતાજીનાં સાંનિધ્યમાં ગરબા રમી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
ચોટીલા
ચોટીલાનું ચામુંડા માતાજીનું સ્થાનક અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. નવરાત્રી નિમિત્તે લાખો માઇભક્તો માતાજીનાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. મંદિરના મહંત પરિવાર દ્વારા ચામુંડા માતાજીને અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. તો મંદિર ટ્રસ્ટ દ્વારા અવનવી લાઇટિંગ તેમજ રોશની ગોઠવવામાં આવી હોવાથી ડુંગર રોશનીથી ઝળહળી ઊઠ્યો છે. અંબાજી મંદિરમાં પ્રથમ નોરતે સાંજ સુધીમાં 2.16 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતાં. વાઘ ઉપર સવાર માતાજીને પરોઢે વિશેષ શણગાર સાથે મંગળાઆરતી બાદ બાલભોગમાં સોજીના શીરાનું નૈવેદ્ય ધરાવાયું હતું.
બહુચરાજી મંદિર
બહુચરાજી મંદિર ખાતે રવિવારે સવારે 7:30 વાગ્યે મંદિરના વહીવટદાર એસ.ડી. પટેલના હસ્તે ઘટસ્થાપન વિધિ મુખ્ય પૂજારી સહિત ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કરાઈ હતી. નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતી અને ઘટસ્થાપન સમયે મોટી સંખ્યામાં માઇભક્તો ઊમટી પડ્યા હતા, જ્યાં એક લાખ ભક્તોએ દર્શન કર્યાં હતાં. આ નિમિત્તે યોજાયેલા ગરબામાં સ્વયં શક્તિ સ્વરૂપેણી મા દુર્ગા ચાચરચોકમાં ગરબે રમવા ઉતર્યાં હોય તેવું પવિત્ર વાતાવરણ સર્જાયું હતું.
ઊંઝા - ઉમિયાધામ
નવલી નવરાત્રીએ ઊંઝા ઉમિયા માતાજી મંદિરે બપોરે 13:39ના વિજય શુભ મુહૂર્તે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરાયું હતું. નવરાત્રીના પર્વને ધ્યાને લઈ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા મા ઉમાનાં દર્શન તેમજ આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. આદ્યશક્તિની આરાધનાના મહાપર્વને લઈને એક લાખ માઇભક્તોએ દર્શન કર્યાં હતાં. ઊંઝા એપીએમસી તથા ઊંઝા વેપારી મિત્ર મંડળ દ્વારા મા ઉમિયાના મંદિરને 151 ગજની ધજા ચઢાવાઈ હતી.


comments powered by Disqus