પ્રધાનમંત્રી મોદીએ અમિતાભને કહ્યું, ‘કુછ દિન તો ગુજારો રણોત્સવ મેં’

Wednesday 18th October 2023 06:46 EDT
 
 

ભુજઃ કચ્છના રણોત્સવને વિશ્વપ્રસિદ્ધ બનાવવામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મહાનાયક અમિતાભ બચ્ચનનો વિશેષ ફાળો છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ બંને દિગ્ગજોની વાતચીત કૈલાસ પર્વતથી લઈ રણોત્સવ સુધી પહોંચી ગઈ હતી.
બિગ બીએ પ્રધાનમંત્રી મોદીની તાજેતરમાં પાર્વતી કુંડની મુલાકાતની એક તસવીર ટ્વીટ કરી હતી. તેમાં અમિતાભ બચ્ચને કૈલાસ પર્વતની મુલાકાત ન લઈ શકવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘કૈલાસ પર્વતની ધાર્મિકતા, રહસ્ય, દિવ્યતા મને લાંબા સમયથી આકર્ષિત કરે છે. અફસોસ એ છે કે હું તેને ક્યારેય રૂબરૂમાં જોઈ શકીશ નહીં.’
તેના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ‘પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોની મારી મુલાકાત મંત્રમુગ્ધ કરનારી હતી. આગામી સપ્તાહોમાં કચ્છનો રણોત્સવ શરૂ થઈ રહ્યો છે અને હું તમને કચ્છની મુલાકાત લેવા વિનંતી કરીશ. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે.’ કચ્છ સાથે ખાસ સંબંધ ધરાવતા પ્રધાનમંત્રી તક મળ કચ્છ પ્રવાસનનો પ્રચાર કરવાનું ચૂકતા નથી.


comments powered by Disqus