મુખ્યમંત્રી રાહત ફંડમાં હવેથી ઓનલાઇન દાન આપી શકાશે

Wednesday 18th October 2023 06:56 EDT
 
 

અમદાવાદઃ મુખ્યમંત્રી રાહત ફંડમાં હવે ઓનલાઇન ડોનેશન આપીને ઓટો જનરેટેડ ઈ-રિસિપ્ટ મેળવી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એમ. રિલીફ ફંડમાં દાન સ્વીકારવાના ઓનલાઇન પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા કાર્યરત્ કરાયેલા આ પોર્ટલ પર ઓનલાઇન લિન્ક પર ક્લિક કરીને કોઈપણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો દાન-ફાળો આપી શકશે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે. લિન્ક ઉપર ક્લિક કરવાથી સંબંધિત વ્યક્તિના મોબાઇલ નંબર પર ઓટીપી જનરેટ થશે. દાન આપનારી વ્યક્તિ પોતાનું નામ, સરનામું, પાનકાર્ડ, ઈ-મેઇલ આઇડી જેવી પ્રાથમિક વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. એ પછી પે-ડોનેશન પર ક્લિક કરીને અલગ અલગ પેમેન્ટ મોડ, તમામ યુપીઆઇ પ્લેટફોર્મ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ક્યૂઆર કોડ જેવા માધ્યમથી સીએમ રિલીફ ફંડમાં ઓનલાઇન ડોનેશન આપી શકશે. આ પેમેન્ટ સફળ થાય એટલે દાન આપનારી વ્યક્તિને ઓટો જનરેટેડ ઈ-રિસિપ્ટ, 80-જી સર્ટિફિકેટ અને મુખ્યમંત્રી દ્વારા અપાતો પ્રશંસાપત્ર ત્વરાએ મળી જશે. ઓનલાઇન ડોનેશન પોર્ટલ અને રિસીપ્ટનું ઓનલાઇન ડિજિટલાઇઝેશન પદ્ધતિ કાર્યરત્ થવાથી દાતાને તરત જ પેમેન્ટ રિસિપ્ટ અને સર્ટિફિકેટ મળી જશે.
સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં ગંભીર રોગની સારવાર માટે 2085 લોકોને કુલ 30.81 કરોડ તેમજ અકસ્માત મૃત્યુ અને ઇજાના કેસમાં 450થી વધુ લોકોને 18.85 કરોડની સહાય સરકારે આપી છે. રાહત નિધિમાં મળતા દાનનો ઉપયોગ આવા કિસ્સામાં સરકાર કરે છે.


comments powered by Disqus