મોરબી પુલ દુર્ઘટના માટે ઓરેવા કંપની, જયસુખ પટેલ જ જવાબદારઃ રિપોર્ટ

Wednesday 18th October 2023 07:01 EDT
 
 

અમદાવાદઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે દાખલ કરેલી જાહેર હિતની રિટની સુનાવણી દરમિયાન આ સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પાંચ હજારથી વધુ પાનાંનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સીટના રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા કંપની જ મુખ્ય જવાબદાર ઠરે છે. ખાસ કરીને ઓરેવા કંપનીના એમ.ડી. જયસુખ પટેલ અને તેના બે મેનેજર દિનેશ દવે અને દીપક પારેખ સહિત સમગ્ર ઓરેવા કંપનીના મેનેજમેન્ટની જવાબદારી બનતી સ્પષ્ટ જણાય છે. ઓરેવા કંપનીની ભૂલના કારણે કલ્પના ન થાય તેવી કરુણાંતિકા સર્જાઈ હતી.
વિધવા અને અનાથ બાળકો માટે કંપનીએ શું કર્યું ?: હાઇકોર્ટ
હાઇકોર્ટે ઓરેવા કંપનીને એવો પણ સવાલ કર્યો હતો કે, આ કેસમાં પીડિતોને માત્ર વળતર ચૂકવવું એ પૂરતું નથી, પરંતુ તમે જે મહિલાઓ વિધવા બની છે અને જે બાળકો અનાથ થયાં છે તેમનાં રોજગારી, શિક્ષણ અને પુન: વસન માટે શું કામગીરી કરી છે તે વિગતવાર કોર્ટને જણાવો. હાઇકોર્ટે ઓરેવા કંપની અને સરકાર પક્ષને આ મુદ્દે જવાબ રજૂ કરવા જણાવી કેસની સુનાવણી દિવાળી વેકેશન બાદ રાખી હતી.
બ્રિજના 49 મુખ્ય કેબલમાંથી 22 તો પહેલેથી જ તૂટેલા હતા
સીટના રિપોર્ટમાં એમ પણ જણાવાયું કે. સીસીટીવી ફૂટેજ સાઇટ નિરીક્ષણ અને તપાસના તથ્યો જોતાં બ્રિજના ઉપરની સાઇડના મુખ્ય કેબલ તૂટી જવાના કારણે મોરબી બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. તમામ સલામતી બાબતો અને ડિઝાઇન સહિતના પાસાં ધ્યાનમાં લેતાં એ વખતે જો બ્રિજના તમામ 49 વાયર ચાલુ હાલતમાં હોત તો તે મહત્તમ 75થી 80 વ્યક્તિનો ભાર વહન કરી શકે તેમ હતા, પરંતુ નિરીક્ષણમાં જોવામાં આવ્યું કે, 22 વાયર કાટના કારણે ઓલરેડી તૂટી ગયા હતા અને તેનાથી બ્રિજની ભાર વહન કરવાની ક્ષમતા ઘણા અંશે ઘટી ગઈ હતી. બ્રિજ પર સંખ્યાબંધ લોકોના ભારના કારણે ઓવર લોડિંગના લીધે બ્રિજ તૂટી પડ્યો હતો.


comments powered by Disqus