અમરેલીઃ લાઠીમાં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે, ત્યારે અબોલ પક્ષીઓ માટે ચણ એકત્ર કરવા માટે લાઠી ગામમાં 157 વર્ષથી મહાકાળી નવરાત્રી નાટકમંડળ દ્વારા નવરાત્રી દરમિયાન ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવાય છે.
પંખીપ્રેમની સંવેદનાથી તરબતર કવિ કલાપીના ધામ લાઠીમાં 157 વર્ષથી ઊજવાતા આ અદભુત નાટ્યોત્સવમાં આ વર્ષે 10 નાટક રજૂ થશે. રાજાશાહી વખતથી શરૂ કરાયેલો આ સિલસિલો આગળ ધપાવવામાં લગભગ પાંચ-છ પેઢીઓ બદલી ગઈ છે. દરવર્ષે મહાકાળી નવરાત્રી નાટકમંડળના 60 જેટલા સભ્યો શ્રાવણ માસથી જ વિભિન્ન તૈયારી શરૂ કરતા હોય છે.
આ વર્ષે નવરાત્રીમાં રજૂ થનારાં નાટકોમાં પૃથ્વીરાજ ચૌહાણ, રણુજાના રાજા રામદેવ પીર, રા’નવઘણ, ઘર-ઘુંઘટ અને ઘરચોળું, જેસલ-તોરલ, સોમનાથની સખાતે, કાશ્મીરની મોરચે, રાજા ભરથરી, અમર દેવીદાસ નામના નાટકનું મંચન કરાશે.

