નવી દિલ્હીઃ સમલૈંગિક કપલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, આ સંસદના અધિકાર ક્ષેત્રનો મામલો છે. તેમણે કેન્દ્ર સરકારને સમલૈંગિકોના અધિકારો માટે યોગ્ય પગલાં ભરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે, કોર્ટ કાયદો બનાવી શકતી નથી, તે માત્ર એનું અર્થઘટન અને અમલ કરી શકે છે. સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓમાં ફેરફારની જરૂર છે કે કેમ એ નક્કી કરવાનું કામ સંસદનું છે.
પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન મૂળભૂત અધિકાર
સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતાં ચીફ જસ્ટિસે કહ્યું કે, સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાં એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. જેને છીનવવો અપરાધ સમાન છે.
અરજદારોની અરજી શું હતી?
સમલૈંગિક લગ્નને સમર્થન આપતા અરજદારોએ તેને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી કરાવવાની માગણી કરી હતી. સાથે જ કેન્દ્ર સરકારે એને ભારતીય સમાજ વિરુદ્ધ ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી 21 અરજીમાં અરજદારોનું કહેવું છે કે 2018માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સમલૈંગિકતાને અપરાધ માનતાં આઇપીસીની કલમ 377નો એક ભાગ રદ કરી દીધો હતો. વિચારોને બદલવાની જરૂર છે.
કોર્ટે ટ્રાન્સજેન્ડરનું ઉદાહરણ આપ્યું
સમલૈંગિક લગ્નને માન્યતાની માગ કરતી અરજી પર ચુકાદો આપતાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જો કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ વિજાતીય વ્યક્તિ સાથે લગ્ન કરવા માગે છે, તો આવા લગ્નને માન્યતા આપવામાં આવશે, કારણ કે એક પુરુષ હશે અને બીજી સ્ત્રી. ટ્રાન્સજેન્ડર પુરુષને સ્ત્રી સાથે લગ્ન કરવાનો અધિકાર છે અને ટ્રાન્સજેન્ડર સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડર પુરુષો પણ લગ્ન કરી શકે છે. જો મંજૂરી આપવામાં નહીં આવે તો એ ટ્રાન્સજેન્ડર એક્ટનું ઉલ્લંઘન ગણાશે.

